મોરબી : મોરબીમાં આજરોજ યોજાયેલી મહેસૂલ તલાટીની પરીક્ષા દરમિયાન મોરબી પોલીસે માનવતાવાદી અભિગમ દાખવીને દિવ્યાંગ પરીક્ષાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓને મદદ કરી હતી. જે માટે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ઘેલાના માર્ગદર્શન હેઠળ એક ટીમ તૈયાર કરવામાં આવી હતી.અન્ય જિલ્લામાંથી ખાસ કરીને કચ્છથી આવેલા અને સ્થળની જાણકારી ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ જૂના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ અને ત્રાજપર ચોકડી જેવા વિસ્તારોમાંથી ટ્રાફિક પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરી હતી. પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષની જરૂરિયાત ઊભી થતાં, એ અને બી ડિવિઝન પોલીસે પણ વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડી હતી. આ ઉપરાંત ટીમ દ્વારા નવા બસ સ્ટેશનથી પરીક્ષા કેન્દ્ર ખાતે 4 જેટલા દિવ્યાંગ પરીક્ષાર્થીઓને સમયસર પહોંચાડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં પીએસઆઈ ડી.બી. ઠક્કર, એએસઆઈ નાગદાનભાઈ, કોન્સ્ટેબલ દેવાયતભાઈ અને ડ્રાઈવર દિગ્વિજયભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.