પ્રદુષણ નિયંત્રણ કચેરીમાં નવા નિમાયેલ અધિકારીએ લાંબા સમયથી ચાલતા કાળાધંધા તવાઈ ઉતારીમોરબી : સિરામિક હબ મોરબી જિલ્લામાં કોલગેસ પ્લાન્ટના દંડનો મુદ્દો હજુ પૂર્ણ નથી થયો ત્યાં જ કેટલાક સિરામિક એકમોમા હરીફાઈમાં ટકી રહેવા લાંબા સમયથી પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને ગજવામાં સાચવી લઈ સસ્તા ઇંધણ સ્વરૂપે પ્રતિબંધિત પેટકોકનો વપરાશ થતો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ મોરબીમાં નવા આવેલ અધિકારીએ સપાટો બોલાવી દઈ પીપળી રોડ, જાંબુડિયા અને માટેલ રોડ ઉપર સઘન ચેકીંગ કરી 15 ફેકટરીઓમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિ ઝડપી લીધી હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ તમામ સિરામિક એકમો વિરુદ્ધ રૂપિયા 10થી 25 લાખ સુધીના દંડ તેમજ ક્લોઝર સુધીના પગલાં તોળાઈ રહ્યા હોવાથી પ્રતિબંધિત પેટકોક વાપરનાર યુનિટોના માલિકોએ ધમપછાડા શરૂ કર્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ક્લસ્ટરમા ભાવની સ્પર્ધામાં ટકી રહેવા વોલ ટાઇલ્સ અને ફ્લોર ટાઇલ્સના કેટલાક એકમો દ્વારા પર્યાવરણ માટે ખૂબ જ નુકશાન કારક અને પ્રમાણમાં સસ્તા પડતા પેટકોક એટલે કે પેટ્રોલિયમ પેદાશ કોલસાનો ઉપયોગ શરૂ કરતા આવા એકમો બજાર ઉપર હાવી થઈ સસ્તાભાવે ટાઇલ્સ વેંચતા હોય ખુદ સિરામિક ફેક્ટરીઓના માલિકો દ્વારા જ પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મોરબી ઓફીસ તેમજ ગાંધીનગર સુધી રજુઆત કરતા સરકાર ચોકી ઉઠી હતી. જો કે, રજુઆત બાદ પણ કોઈ પગલાં ન લેવામાં આવતા સ્થાનિક અધિકારી શંકાના દાયરમાં આવી ગયા હતા અને આંખ મિચમણા કરી લાંબા સમયથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ઉપર રહેમ નજર રાખતા વધુ એક વખત ગાંધીનગર રજુઆત થતા મોરબીના ઉચ્ચ અધિકારીની બદલી કરી નવા અધિકારી મુકવામાં આવ્યા છે.બીજી તરફ પ્રદુષણ નિયંત્રણ કચેરી મોરબીમાં નવા અધિકારી આવતા વેંત જ સપાટો બોલાવી છેલ્લા બે દિવસમાં સપાટો બોલાવી મોરબીના સિરામિક હબ એવા પીપળી રોડ, માટેલ રોડ અને જાંબુડિયામાં 15 ફેક્ટરીઓમાં ચાલતો પેટકોકનો વપરાશ પકડી પાડી નોટિસો ફટકારી હોવાનું સામે આવ્યું છે. પ્રદુષણ નિતંત્રણ બોર્ડના આ કડક પગલાંથી સિરામિક ઉદ્યોગમા વિરોધને બદલે રાહતની લાગણી પ્રસરી હોવાનું પણ ખુદ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. હાલમાં જ્યાં જ્યાંથી પેટકોકનો વપરાશ ઝડપાયો છે તેવી ફેક્ટરીઓને રૂ.10 લાખથી લઈ 25 લાખ સુધીના દંડ ઉપરાંત ક્લોઝર નોટીસની કાર્યવાહી શરૂ થઈ હોય પેટકોકના વપરાશી એકમો દ્વારા દોડધામ શરૂ કરી ક્લોઝરથી બચવા હવાતિયાં શરૂ કરાયા હોવાનું પણ જાણવા મળે છે.પેટકોક વપરાશ કરતા એકમો સામે દંડની નવી જોગવાઈરાજ્યમાં પ્રતિબંધિત પેટકોકના વપરાશ મામલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જૂન 2025મા એક પરિપત્ર અમલી બનાવી જો કોઈપણ કારખાનામાં પેટકોકનો વપરાશ થતો માલુમ પડે તો નાના એકમો માટે 10 લાખ, મધ્યમ એકમ માટે 15 લાખ અને મોટા એકમ માટે 25 લાખના દંડની જોગવાઈ કરી રાજ્યની તમામ પ્રદુષણ નિયંત્રણ કચેરીઓને પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે. જો કે, બોર્ડ દ્વારા જૂન માસમાં આદેશ કરવામાં આવ્યો હોવા છતાં મોરબી પ્રદુષણ નિયંત્રણ કચેરી દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતા અને નવા અધિકારીની નિમણૂક થતા જ છેલ્લા બે દિવસમાં કાર્યવાહી શરૂ થઈ છે. જે દર્શાવે છે કે, અગાઉના અધિકારી બધું જાણતા હોવા છતાં આંખ મિચામણા કર્યા હતા.ફ્લોર અને વોલ ટાઇલ્સ યુનિટમાં પેટકોકનો વપરાશમોરબી સિરામિક ઉદ્યોગમાં હાલમાં મંદીના ટકી રહેવા અને સસ્તાભાવે માલ વેચવા શોર્ટકટ્ટ અપનાવી ગેસને બદલે પેટકોકનો મોટા પાયે વપરાશ થતો હોવાનું સામે આવ્યું છે ત્યારે સિરામિક ઉદ્યોગના સૂત્રોના મતે ગેસની તુલનાએ પેટકોક સસ્તો પડે છે અને પેટકોક વાપરનાર કારખાનેદાર ટાઇલ્સ દસથી બાર રૂપિયા સસ્તી વેચી શકતો હોય અન્ય કારખાનેદારને મુશ્કેલી પડી રહી છે. જો કે, જીપીસીબીના પગલાં બાદ સિરામિક એસોસિએશન દ્વારા પેટકોક વાપરતા એકમોને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા તાકીદ કરવામાં આવી છે.