માજી જીવતા ત્યારે કહેતા જ કે અમે બન્ને સાથે જ દુનિયા છોડીશું, કુદરતે પણ તેમના શબ્દો સાચા પાડ્યામોરબી : સાથે જીવવાના અને મરવાના વાયદા તો લાખો ને કરોડો થાય, પણ પવિત્ર પ્રીતમાં એકબીજા સાથે દેહ ભાગ્યે જ છૂટી જાય...આવો જ એક કિસ્સો મોરબીના ખાનપરમાં બન્યો છે. એક દાદાએ 95 વર્ષની ઉંમરે દેહ છોડ્યો. ત્યારે તેમના પત્ની એવા દાદીએ તેમના વિરહમાં બીજા જ દિવસે દુનિયા છોડી દીધી છે. વાત છે, ખાનપરના સ્વ.સવજીભાઈ રવજીભાઈ અમૃતિયાની, તેઓએ આખુ જીવન ખેતી કરી અને હનુમાનજીની ભક્તિમાં જ તેઓ લીન રહેતા હતા. જેથી ગામમાં ભગત તેઓનું હુલામણું નામ હતું. જીવનની ઢળતી સંધ્યા સુધી તેઓ વાડીએ રહી ત્યાં જ પોતાના કામમાં મગ્ન રહેતા અને ભક્તિ કરતા હતા. પરિવારે છેલ્લા 7થી 8 વર્ષથી ઉંમરના કારણે વાડીને બદલે ઘરે જ રહેવાનો આગ્રહ કર્યો અને તે આગ્રહને કારણે તેઓ ઘરે રહેવા લાગ્યા હતા. પહેલાના જમાનાનું સાચું ખાવાનું અને પરિશ્રમથી કઠોર બનાવેલી કાયાને પરિણામે સવજીબાપાએ અડીખમ 95 વર્ષનું આયુષ્ય ભોગવ્યું. બાદમાં તેઓએ તા.11 સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ વહેલી સવારે 4 વાગ્યે દેહ છોડ્યો. તેમના પત્ની એટલે કે રતનબેન, આ માજી એવું કહેતા કે અમે દુનિયા છોડીશું તો સાથે છોડીશું. હકીકતમાં એવું જ થયું. આ દુનિયામાં તેમનો સથવારો જેવો ગયો, બીજા જ દિવસે રતનબેને પણ દુનિયા છોડી દીધી. તેઓનું આજે તા.12 સપ્ટેમ્બરને શનિવારે સવારે 11 વાગ્યે અવસાન થયું છે. ઉપરાંત રતનબેનને જાણે તેનો દુનિયા છોડવાનો સમય પણ ખબર હોય, તેમ આજે સવારે જ તેઓએ તેમની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી દીધી હતી. તેમને એવું કહ્યું હતું કે હું ચાલી જાવ તો મને બીજે દિવસે બહાર કાઢજો. એક દિવસ ઘરે વિસામો લેવા દેજો. તેમની ઈચ્છા અનુસાર પરિવારે આવુ કર્યું. આમ આ દાદા-દાદીએ દુનિયા છોડવામાં પણ એકબીજાનો સાથ છોડ્યો નહિ. તેમના પુત્રનું નામ શૈલેષભાઇ સવજીભાઈ અમૃતિયા અને પૌત્રનું નામ હાર્દિકભાઈ શૈલેષભાઇ અમૃતિયા છે. તેમને સંતાનમાં 6 દીકરીઓ છે. દાદા અને દાદી બેસણું તા.13ને શનિવારે બપોરે 3થી 5 પ્રાર્થનાસભા હોલ, સરકારી પ્રાથમિક શાળાની બાજુમાં, ખાનપર ખાતે રાખેલ છે.