આ રસ્તા પર ધાર્મિક સ્થળે દર્શનાર્થે આવતા લોકો, અપડાઉન કરતા તેમજ રાજકોટ લઈ જવાતા દર્દીઓની પીડામાં વધારો થયાના આક્ષેપો વાંકાનેર: વાંકાનેરથી રાજકોટને જોડતા મુખ્ય માર્ગની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેના કારણે વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને અમરસર ફાટક સુધીનો રસ્તો મગરની પીઠ જેવો બની ગયો છે, જ્યાં મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. તેમજ શહેરથી ગ્રામીણ વિસ્તારને જોડતા રસ્તાઓ પણ અત્યંત બિસ્માર થયા હોવાથી પંથકના લોકોને ભારે યાતનાઓનો સામનો કરવો પડે છે.આ રસ્તો અનેક ધાર્મિક સ્થળો જેવા કે જડેશ્વર મહાદેવ, ખોડિયાર ધામ માટેલ, અને રફાળેશ્વર મહાદેવને જોડે છે, જ્યાં દર્શન કરવા આવતા યાત્રાળુઓને પણ અગવડ પડી રહી છે. સ્થાનિક લોકો, ખાસ કરીને જેઓ નિયમિત અપ-ડાઉન કરે છે, તેઓ પણ કંટાળી ગયા છે. દર્દીઓને સારવાર માટે રાજકોટ લઈ જતી વખતે રસ્તાની ખરાબ હાલતને કારણે તેમની પીડામાં વધારો થાય છે.ચોમાસા પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તા પર મેટલ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ ડામર કામ ન થતા પરિસ્થિતિ વધુ વણસી છે. વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે અને પથ્થરો ઉછળીને વાહનચાલકોને ઈજા પહોંચાડે છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે ચોમાસું પૂરું થયા બાદ આ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવશે. જોકે, ત્યાં સુધી લોકોને આ ખરાબ રસ્તા પરથી પસાર થવાની મુશ્કેલી સહન કરવી પડશે.