પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેકીંગ સમયે પેટકોકનો વપરાશ થતો હોય તાત્કાલિક કડક પગલામોરબી : મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચાવી દેવા સમાચાર સામે આવ્યા છે. ત્રણ દિવસ પૂર્વે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 15 સિરામિક ફેકટરીઓમાં પ્રતિબંધિત પેટકોકના વપરાશ મામલે સઘન ચેકીંગ બાદ તાત્કાલિક અસરથી સાત ફેકટરીઓને ક્લોઝર નોટિસ ફટકારી આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.મોરબીની ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીના નવનિયુક્ત અધિકારીએ ચાર્જ સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ લાંબા સમયથી પર્યાવરણને નુકશાન કરી રહેલા સિરામિક એકમો સામે ધડાધડ પગલાં લેવાની શરૂઆત કરી પ્રતિબંધિત પેટકોક એટલે કે પેટ્રોલિયમ કોલસાનો વપરાશ કરતી 15 ફેકટરીમાં તપાસ કરતા પેટકોકનો વપરાશ સામે આવતા કડક પગલા ભરી 15 પૈકી સાત ફેક્ટરીઓને ક્લોઝર નોટિસ ઉપરાંત આકરો દંડ ફટકાર્યો હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે. અત્યંત સુમાહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જે જે ફેક્ટરીઓને ક્લોઝર આપવામાં આવ્યું છે તેમાં લીલાપર રોડ અને જાંબુડીયા રોડ ઉપર આવેલ એક એક ફેકટરી, વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ બે ફેકટરી તેમજ પીપળી રોડ વિસ્તારની ત્રણ ફેકટરી મળી કુલ સાત સિરામિક ફેકટરીઓનો સમાવેશ થતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે પ્રદુષણ ફેલાવતા કોઈ પણ એકમો સામે 15 દિવસ બાદ કે તેથી વધુ સમય બાદ ક્લોઝર નોટિસ આવતી હોય છે. પરંતુ ઉપરોક્ત સાતેય ફેક્ટરીઓમાં ફક્ત ચાર જ દિવસમાં ક્લોઝર નોટિસ ઉપરાંત આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો હોય મોરબી જિલ્લામાં પેટકોક વાપરતા સિરામિક સહિતના એકમોમાં ફફડાટ મચી ગયો છે. હાલમાં આકરા દંડ અને ક્લોઝરથી બચવા સિરામિક ઉદ્યોગકારો દ્વારા રાજકીય વગનો ઉપયોગ કરી બચવા માટે હવાતિયાં શરૂ કરવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.