બિલ્ડીંગમાં બેઝમેન્ટમાં ભરાયેલા પાણીનો શનાળા રોડ અને કન્યા છાત્રાલય રોડ ઉપર નિકાલ કરાતા કડક કાર્યવાહી મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે જીઆઇડીસી પાસેનું મિડવે એમ્પાયર બિલ્ડીંગ સિલ મારી દેવામાં આવ્યું છે. આ બિલ્ડીંગમાંથી નિયમ વિરૂદ્ધ પાણીનો જાહેર જગ્યામાં નિકાલ કરવામાં આવતો હોવાનું જણાવી મહાપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં શનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસે આવેલ મિડવે એમ્પાયર બિલ્ડીંગ જે 4 માળનું છે. અહીં અંદાજે 175 જેટલી ઓફિસો અને દુકાનો આવેલી છે. આ આખું બિલ્ડીંગ આજે મહાપાલિકા દ્વારા સિલ મારવામાં આવ્યું છે. આ વેળાએ દુકાનદારો બહાર નીકળવા તૈયાર ન હોય પોલીસને પણ બોલાવવામાં આવી હતી. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આ બિલ્ડીંગ દ્વારા ડ્રેનેજનો જાહેરના નિકાલ કરવામાં આવતો હતો. કન્યા છાત્રાલય તથા શનાળા રોડ ઉપર પાણીનો નિકાલ કરવામાં આવતા સામાન્ય લોકોને હાલાકી પડી રહી હતી. જેથી અગાઉ આ બિલ્ડીંગને નોટિસો આપવામાં આવી હતી. આજરોજ આ બિલ્ડીંગને સિલ મારવામાં આવ્યું છે.