સફાઈ સંબંધિત મળેલ 40 ફરિયાદોમાંથી 30નો નિકાલ કરાયો: બાકીની ફરિયાદોના નિવારણની કામગીરી શરૂમોરબી : મોરબી મહાપાલિકાના કમિશનરે ઝોન નં. 1ની મુલાકાત લઈને સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારીઓની હાજરી પણ ચકાસવામાં આવી હતી. કમિશનરે પટેલ વાડી, વાવડી રોડ, આસ્વાદ પાન, ત્રિકોણબાગ, મોલાઈરાજા દરગાહ, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને અંબિકા રોડ પાસેના GVP પોઈન્ટ જેવા વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી. તાજેતરના વરસાદને કારણે પાણી ભરાતા વિસ્તારો જેવા કે સ્ટેશન રોડ (આસ્વાદ પાન પાસે), વાવડી રોડ અને સુમિતનાથ સોસાયટીની પણ મુલાકાત લઈને જરૂરી સૂચનો આપ્યા હતા. બીજી તરફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ 02/09/2025 થી 08/09/2025 દરમિયાન શહેરી વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન, મોમ્સ હોટલ, ભરતનગર સોસાયટી, ગીતા અંજલી સ્કૂલ, ક્રિષ્ના સ્કૂલ, રવાપર, ભડીયાદ ગ્રામ પંચાયત અને ભડીયાદ પ્રાથમિક સ્કૂલ પાસે આવેલા નાળાઓની સફાઈ કરવામાં આવી. આ સમયગાળામાં નાગરિકો તરફથી સફાઈ સંબંધિત 40 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 30નો નિકાલ કરવામાં આવ્યો છે. બાકીની ફરિયાદોનું નિવારણ કરવાની કામગીરી ચાલી રહી છે. મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા શહેરની સફાઈ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.