ટંકારા : ટંકારામાં રોડ રસ્તાની ખરાબ હાલત હોય તાત્કાલિક ધોરણે રોડ રસ્તાનું રેપેરિંગ કરવા મોરબી જિલ્લા પંચાયતના સભ્ય અને ટંકારાના વતની ભુપેન્દ્રભાઈ દામજીભાઈ ગોધાણીએ ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, ટંકારા છાપરીથી અમરાપર જતા રસ્તા પર ગાયત્રીનગર સોસાયટી પાસે ડામર રોડ ઘણા સમયથી તૂટી ગયો છે. મોટા ખાડા પડી ગયા છે. વરસાદના કારણે પાણી પણ આ ખાડાઓમાં ભરાય છે. જેથી નાના વાહનો અને ચાલીને જતા લોકોને મુશ્કેલી પડે છે. બાજુમાં ગાયત્રીનગર પ્રાથમિક શાળા આવી છે. જેથી શાળાએ જવા વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. ખરાબ રસ્તાના કારણે અકસ્માત થવાનો ભય ઉભો થયો છે. આ રસ્તો રિપેર કરવા ઘણી વખત મૌખિક રજૂઆત કરી છે પરંતુ આજદિન સુધી કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી. તો તાત્કાલિક સ્થળ તપાસ કરીને રોડનું રિપેરિંગ કરવામાં આવે તેવી ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ છે.