શિવકથા અને રામધુનમાં ગયેલા શ્રધ્ધાળુઓ કાઠમંડુમા ત્રણ સ્થળે આશ્રય લીધોમોરબી : નેપાળમાં નાગરિકો વિદ્રોહ ઉપર ઉતરી આવતા સર્જાયેલ સ્થિતિમાં હાલમાં ભારતથી નેપાળ યાત્રાએ ગયેલા મોરબી, જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના તમામ 316 યાત્રિકો સલામત હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ નાગરિકો સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફત પરત આવતા નાગરિકો માટે વ્યવસ્થા કરવામાં આવી હોવાનું મામલતદાર ડિઝાસ્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ નેપાળમાં સત્તાધીશ સરકાર વિરુદ્ધ નાગરિકો વિદ્રોહ ઉપર ઉતરી આવતા તંગ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. બીજી તરફ નેપાળમાં તંગ પરિસ્થિતિ વચ્ચે જામનગર, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લાના 316 નાગરિકો નેપાળના કાઠમંડુમાં હોવાનું સામે આવતા રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા નેપાળમાં ફસાયેલ નાગરિકોનો સંપર્ક કરી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે તમામ યાત્રિકોને ભારત પરત લાવવા કાર્યવાહી શરૂ કરી છે.દરમિયાન રાજકોટ, જામનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાંથી શિવકથા અને રામધૂન માટે ગયેલા કુલ 310 લોકો તોફાનો સમયે કાઠમંડુમાં જ હતા. જો કે, હાલમાં તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું અને અલગ અલગ ત્રણ જગ્યાએ આશ્રય લઈ રહ્યા હોવાનું રાજકોટના યાંત્રિક ધીરુભાઈ ચીકાણીએ જણાવ્યું હતું. દરમિયાન યાત્રાપ્રવાસના આયોજક બાબુભાઇ ગોપાણીએ પણ તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત હોવાનું જણાવી શિવકથા અને રામધુનમાં આવેલ શ્રદ્ધાળુઓને ચિંતા ન કરવા સંદેશ આપ્યો હતો. નોંધનીય છે કે, હાલમાં નેપાળમાં મોરબીના હળવદ, ટંકારા, જબલપુર, રાજપર, શનાળા, હમીરપર, ઓટાળા, જામનગરના ફલ્લા, રાજકોટના દેપાળિયા ઉપરાંત સુરેન્દ્રનગર અને જૂનાગઢના યાત્રિકો હોવાનું જાણવા મળે છે.