કમિશનર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા, ખેતરોમાં ગેરકાયદે સ્ટ્રક્ચર બનાવનાર સામે થશે ફરિયાદમોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા રણછોડનગર વિસ્તારમાં વરસાદ રહી ગયા બાદ પણ વરસાદના પાણી ભરાયેલા છે. પાણી ન ઓસરતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના પાણી ઘરમાં પણ ભરાય ગયા છે. છેલ્લા પાંચ દિવસથી ઘરોમાં પણ પાણી ભરાયેલા છે. રણછોડનગર વિસ્તારમાં આશરે 400 જેટલા ઘરો છે જેમાંથી 100 જેટલા ઘરોમાં પાણી ભરાય ગયા છે. અમુક ઘરોમાંથી ઢીંચણસમા પાણી ભરાયેલા છે. જેના કારણે 40 જેટલા પરિવારજનો સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા છે.આ અંગે મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવતા મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર, પાણી પુરવઠા બોર્ડના અધિકાર, ભુગર્ભ વિભાગના અધિકારીઓ સહિતની ટીમો દોડી ગઈ હતી. જ્યાં અધિકારીઓએ પાણીનો નિકાલ બંધ છે તે પાણીનો નિકાલ ક્યાથી કરવો તેના પ્રયત્ન કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે રણછોડનગરથી આગળ કેદારિયા હનુમાન મંદિર આવેલું છે અને કેદારિયા હનુમાન મંદિર આગળ વાડી વિસ્તાર આવે છે. આ વાડી વિસ્તારમાં આવેલી કુંડીઓમાં પાણી ન ભરાય તે માટે લોકોએ કુંડીઓ બ્લોક કરી દીધી છે. જેથી કમિશનર આ સ્થળ પર દોડી ગયા હતા અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા સાથે જ આમ કરનાર લોકો સામે ફરિયાદ કરવા સહિતની સૂચના કમિશનર દ્વારા આપવામાં આવી હતી. હાલ રણછોડનગરમાં પાણીનો નિકાલ થાય તે માટે જેટિંગ મશીન અને બકેટ વાહન દ્વારા ઝડપથી પાણીનો નિકાલ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે સ્થાનિકો દ્વારા રણછોડનગરમાં ઘરોમાં પાણી ભરાઈ જવાની ફરિયાદ મને મળી હતી જેના અનુસંધાને આજે મનપાની ટીમે સ્થળ તપાસ કરી છે. ગઈકાલે રાત્રે 3 વાગ્યા સુધી અમારી ટીમ દ્વારા કામગીરી કરાઈ હતી. આ સમસ્યા ઉદભવવા પાછળનું કારણ એ છે કે, ડ્રેનેજ લાઈનમાં અમુક લોકો દ્વારા છેડછાડ કરવામાં આવી છે અને ખેતરોમાં ગેરકાયદે સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવ્યા છે. જેથી આ લોકો સામે અમે પોલીસ ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છીએ અને ખેતરોમાં બનાવેલા સ્ટ્રક્ચર પણ તોડી નાખવામાં આવશે.તૂટેલા રોડના સમારકામનું કામ ચાલુ- કમિશનરવધુમાં તૂટેલા રોડ રસ્તા અંગે કમિશનરે જણાવ્યું હતું કે, મનપાની ટીમ દ્વારા ખાડા બુરવાની કામગીરી ચાલી રહી છે. હાલ શહેરમાં અલગ અલગ પાંચ વિસ્તારમાં રોડના કામ ચાલી રહ્યા છે. જેમાં સેન્ટમેરીથી કેદારિયા હનુમાન સુધીનો રોડ, શ્રીકુંજ સોસાયટી તરફ પણ રોડનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં ગાંધી ચોકવાળો અડધો રોડ બાકી છે તેને પણ પૂર્ણ કરવામાં આવશે. ચોમાસુ પૂર્ણ થતાં ડામરના રોડની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે.