મોરબીના અરજદારે તમામ દસ્તાવેજોને ઓનલાઈન કરવા મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ તંત્ર હરકતમાંગાંધીનગર: મોરબીના અરજદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક લેખિત રજૂઆત કરીને ડીઆઈએલઆર (ડિરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ) કચેરી દ્વારા જારી થતા તમામ જમીન-સંબંધી દસ્તાવેજોને ૭/૧૨ અને ૮-અ ના ઉતારાની જેમ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. આ રજૂઆતને પગલે ગાંધીનગરથી તમામ ડીઆઈએલઆર કચેરીઓને રેકોર્ડનું સ્કેનિંગ કરાવવાની સૂચના આપવામાં આવી છે.અરજદાર મેહુલ ગાંભવાએ જણાવ્યું હતું કે ટિપ્પણ, સીમ તળનો નકશો, માપણી રજિસ્ટર, અને કેજીપી શીટ જેવા અનેક દસ્તાવેજો મેળવવા માટે અરજદારે જિલ્લા સેવા સદન (ડીઆઈએલઆર કચેરી) ખાતે બે વાર ધક્કા ખાવા પડે છે. પહેલી વાર અરજી કરવા અને બીજી વાર દસ્તાવેજો લેવા માટે. આ પ્રક્રિયામાં લાખો અરજદારો અને હજારો સરકારી કર્મચારીઓનો સમય વેડફાય છે. હાલમાં મોટાભાગના રેકોર્ડ હાર્ડ કોપી સ્વરૂપે રજિસ્ટરમાં સચવાયેલા છે, જે ઝેરોક્ષ કરવાથી ફાટી શકે છે અથવા આગ, પૂર જેવી કુદરતી આફતોમાં નાશ પામી શકે છે. દસ્તાવેજોને ઓનલાઈન કરવાથી તેમનું કાયમી સંરક્ષણ થશે. તેમજ દસ્તાવેજો ઓનલાઈન ઉપલબ્ધ થવાથી અરજદારો ઘરે બેઠા ડાઉનલોડ કરી શકશે. આનાથી સરકારી કચેરીઓના ધક્કા બંધ થશે અને લાખો લોકોનો સમય બચશે. આ રજૂઆતને ધ્યાને લઇ ગાંધીનગર કક્ષાએથી તમામ જિલ્લામાં ડીઆઈએલઆર કચેરીઓને રેકોર્ડનું સ્કેનિંગ કરાવવાની સૂચના આપવામાં આવી છે.