પાકને નુકસાનથી બચાવવા તેમજ માથા ભારે શખ્સો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગ હળવદ: હળવદ તાલુકાના રાયસંગપુર ગામના ખેડૂતોએ આજે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે ગામના કેટલાક શખ્સો દ્વારા તેમના ખેતરોમાં વરસાદી પાણીના નિકાલને અવરોધવામાં આવી રહ્યો છે, જેના કારણે તેમના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાયસંગપુર સીમમાં 'બોડો' તરીકે ઓળખાતા વિસ્તારમાં તેમની જમીનો આવેલી છે. આ વિસ્તારમાં કુદરતી રીતે વરસાદી પાણીનો નિકાલ થાય છે. જોકે, કેટલાક શખ્સો - દેવજીભાઈ મગનભાઈ દલવાડી, જગજીવનભાઈ મગનભાઈ દલવાડી, વાસુદેવભાઈ મગનભાઈ દલવાડી અને મનસુખભાઈ પોપટભાઈ દલવાડી - દ્વારા જેસીબીથી પાળો ચડાવીને પાણીના ઓવરફ્લોને બંધ કરી દેવામાં આવ્યો છે.આ ગેરકાયદેસર કામગીરીના કારણે પાણીનો ભરાવો થતા ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ કપાસ અને મગફળી જેવા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે જ્યારે તેઓએ આ શખ્સોને રજૂઆત કરી ત્યારે તેઓએ અપશબ્દો બોલી ધમકીઓ આપી હતી.આશરે 40 થી 50 ખેડૂતોએ ભેગા મળીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને ઓવરફ્લો ખોલવા અને પાણીનો નિકાલ કરવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરી હતી. ખેડૂતોએ સત્તાધીશોને તાત્કાલિક સ્થળ તપાસ કરીને આ માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી તેમના ઉભા પાકને બચાવી શકાય.