મોરબી: મોરબી જિલ્લાની મહાવિદ્યાલય શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજ, મોરબી દ્વારા વિદ્યાર્થીનીઓ માટે ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટી.વાય.બી.કોમ.ની 150 વિદ્યાર્થીનીઓએ મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ અને ભુજ સ્થિત માહી ડેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીનીઓને ઉદ્યોગોની કાર્યપદ્ધતિ, ઉત્પાદન પ્રક્રિયા અને વ્યવસ્થાપન વિશે પ્રત્યક્ષ જ્ઞાન આપવાનો હતો.વિદ્યાર્થીનીઓએ અદાણી પોર્ટ પર દરિયાઈ વેપાર, નિકાસ-આયાત પ્રક્રિયા, અને પોર્ટના સંચાલન વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. પોર્ટ મેનેજર ઝાલા અને ગોપાલે જેટી, ક્રેઈન, ટગ, ગોડાઉનો, અને SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) જેવી બાબતો પર વિગતવાર જાણકારી આપી હતી. તેમણે SEZ, CFS , CHA, FOB, CIF અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ તેમજ અદાણી ગ્રુપના ભવિષ્ય ના પ્રોજેક્ટ વિશે બારિકા પૂર્વક માહિતી આપી હતી. આવી માહિતી મેળવીને વિદ્યાર્થીઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.અદાણી પોર્ટની મુલાકાત બાદ વિદ્યાર્થીનીઓએ ભુજ સ્થિત માહી ડેરીની મુલાકાત લીધી હતી. ડેરીની સેલ્સ ટીમે દૂધ એકત્રીકરણ, પેસ્ટ્યુરાઇઝેશન, હોમોજીનાઈઝેશન, અને દૂધનું પેકિંગ જેવી પ્રક્રિયાઓ સમજાવી હતી. તેમને દૂધમાં SNF, ક્વોલિટી માર્ક, અને ફોર્ટિફિકેશન વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાતથી વિદ્યાર્થીનીઓને ડેરી ઉદ્યોગ વિશે ઊંડાણપૂર્વક જ્ઞાન મળ્યું.ઔદ્યોગિક મુલાકાત ઉપરાંત, વિદ્યાર્થીનીઓએ ભુજ ખાતેના વંદે માતરમ્ મેમોરિયલ પાર્કની પણ મુલાકાત લીધી હતી. આ સમગ્ર ઔદ્યોગિક મુલાકાત માટે મોરબી એસ.ટી. ડેપો દ્વારા ડિલક્સ બસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સફળ આયોજન માટે મહાવિદ્યાલયના વિભાગાધ્યક્ષ મયુરભાઈ હાલપરા, તથા સહઅધ્યાપક કેતનભાઈ બકરાણીયા, સોનલ મેમ, દૃષ્ટિ મેમ, અને નિકિતા મેમ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીનીઓ માટે આ મુલાકાત આનંદદાયક અને શૈક્ષણિક બની રહી.