ટંકારા : ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને ટેકાના ભાવે કપાસની નોંધણીમાં કપાસ એપ્લિકેશનમાં નોંધણી વખતે મુશ્કેલી પડતી હોય આ મુશ્કેલી નિવારવા જણાવ્યું છે.ભારતીય કિસાન સંઘ મોરબીના પ્રમુખ બાબુલાલ સીણોજીયાએ કૃષિ મંત્રીને જણાવ્યું છે કે, સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની નોંધી કરવા માટે સરકાર દ્વારા કપાસ એપ્લિકેશન દ્વારા જાતે નોંધણી કરવાની ખેડૂતોને સૂચના આપી છે. પરંતુ ખેડૂતોને આ એપ્લિકેશનના ઉપયોગ અંગેની જાણકારી ન હોય રજિસ્ટ્રેશન થઈ શકતું નથી અને માહિતી માટે કોઈ હેલ્પલાઈન નંબર પણ આપેલા નથી જેના કારણે ખેડૂતો હેરાન થાય છે. આ મુશ્કેલી નિવારવા માટે તાલુકા મથકે અધિકારીના માર્ગદર્શન નીચે, ગ્રામ પંચાયત અથવા નજીકના માર્કેટિંગ યાર્ડમાં નોંધણી કેન્દ્ર ફાળવવામાં આવે તો ખેડૂતો સરળતાથી નોંધણી કરાવી શકે. જેમ સોયાબીન, મગફળી, અડદ, ચણા અને અન્ય ઘણી જણસીઓનું રજિસ્ટ્રેશન ગ્રામ્ય કક્ષાએથી વીસીઈ દ્વારા કરવામાં આવતું હોય છે તેવી રીતે કપાસમાં પણ આવી રીતે સુવિધા આપવામાં આવે તો ખેડૂતો સરળતાથી નોંધણી કરાવી શકે.