ધારાસભ્ય હાલમાં દુબઇ જઈને આવ્યા છો તો મોરબીના રસ્તા પણ દુબઈ જેવા બનાવો: પુષ્પરાજસિંહ જાડેજામોરબી: મોરબી શહેરમાં વરસાદ બાદ જે પરિસ્થિતિ સર્જાય છે તે મામલે તેમજ માળખાગત સુવિધાઓના અભાવ અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ તંત્ર અને ધારાસભ્યને રજૂઆત કરી છે. પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબીમાં સામાન્ય વરસાદથી જ સર્જાતી વિકટ પરિસ્થિતિ અંગે તંત્ર અને સ્થાનિક ધારાસભ્યને જણાવ્યું હતું કે માત્ર પાંચથી સાત ઈંચ વરસાદમાં જ શહેરના રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે, ખાસ કરીને મહેન્દ્રનગર ચોકડીથી હાઉસિંગ બોર્ડ સુધીનો રસ્તો એવો છે કે વાહનચાલકને પેટમાં દુ:ખાવો થઈ જાય. પુષ્પરાજસિંહ જાડેજાએ ધારાસભ્યને ઉલ્લેખીને કહ્યું કે, 'તમે તાજેતરમાં દુબઈ જઈને આવ્યા છો અને છેલ્લા 30 વર્ષથી મોરબીના ધારાસભ્ય છો. તમારી પ્રાથમિક ફરજ છે કે મોરબીના રસ્તાઓને પણ દુબઈ જેવા બનાવો.'તેમણે વધુમાં જણાવ્યું કે, મોરબીને સ્વચ્છ પીવાનું પાણી, સારા રસ્તાઓ અને સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓ પણ મળી રહી નથી. જાડેજાએ આક્ષેપ કર્યો કે અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન આ કામો માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ તે નાણાં ક્યાં ગયા તે સમજાતું નથી. આખરે, શહેર કોંગ્રેસ પ્રમુખ અને મોરબીના યુવાન તરીકે તંત્રને અપીલ કરી છે કે રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર અને પીવાના શુદ્ધ પાણીના આ ત્રણેય મુખ્ય પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવામાં આવે.