એક યુવાનનો પગ લપસતા બીજો બચાવવા જતાં બંને ડૂબી ગયા હળવદ : હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામ નજીકથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં છોટાઉદેપુર જિલ્લામાંથી મજૂરી કામ કરવા આવેલ બે યુવાનો ડૂબી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.બને યુવાનોને શોધવા માટે હળવદ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના એક વાગ્યાની આસપાસ ચંદ્રગઢ ગામની સીમમાં કાંતિલાલ મીઠાભાઈ દલવાડીની વાડીએ છોટાઉદેપુર જિલ્લામાંથી મજૂરી કામ કરવા આવેલ અશ્વિનભાઈ રાઠવા ઉંમર વર્ષ 28 અને હિતેશભાઈ રાઠવા ઉંમર વર્ષ 18 વાડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસેથી બાઈક લઇ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક યુવાન પાણી પીવા નર્મદા કેનાલમાં ઉતરતા તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેથી તેને બચાવવા બીજા યુવાને પણ કેનાલમાં છલાંગ લગાવતા બંને યુવાનો કેનાલમાં ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે સાથે જ 108ની ટીમ પણ કેનાલ કાંઠે દોડી આવી હતી અને બનાવની જાણ હળવદ પાલિકાને કરાતા ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી નર્મદા કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે આ લખાય છે ત્યાં સુધી બંને યુવાનોનો કોઈ જ પતો લાગ્યો નથી. કેનાલમાં ગરકાવ થઈ ગયેલ હિતેશભાઈ રાઠવા અને અશ્વિનભાઈ રાઠવા મામા ફોઈના સગા થતા હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે.