છપૈયા ધામ મંદિરમાં ગણેશજીનું વિસર્જન કરાયુંપારસીપેની (ન્યુજર્સી): અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા પારસીપેની ટાઉનમાં મોરબી સહિતના ગુજરાતીઓ અને દક્ષિણ ભારતના લોકો દ્વારા છપૈયાધામ મંદિરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં તારીખ 6 સપ્ટેમ્બર ને શનિવારના રોજ ભગવાન ગણેશજીનો મહા દિવ્ય ભવ્ય ઉત્સવ કરવામાં આવ્યો હતો અને ભક્તિના ગીતો તથા પંડાલમાં ભારતીય વસ્ત્રો, રમકડા, પાણીપુરી ભેલપૂરી તથા અલગ અલગ વ્યંજનોની મજા માણીને સૌ લોકોએ ગણેશજીનું વિસર્જન કર્યું હતું. છપૈયાધામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન ગણેશજીની સ્થાપના બાદ સમર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભગવાન ગણેશજી તથા હરિકૃષ્ણ મહારાજની રવાડી કાઢવામાં આવી હતી. ત્યારબાદ કેમ્પસમાં મુખ્ય યજમાન પ્રમુખ પંકજભાઈ પ્રહલાદભાઈ દ્વારા ગણેશજીને દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરતી અર્ચન પૂજન, બહેનો દ્વારા ભવ્ય રાસ ગરબા કરીને ગણેશજીનું જળમાં વિસર્જન કરાયું હતું. સમગ્ર વિસ્તારમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.આ કાર્યક્રમમાં દરેક પ્રકારની લોન માટેની સમજણ સંજય શાહ દ્વારા ભારતીયોને આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લીના ભટ્ટ, પ્રીતિ જાનીએ સેવા આપી હતી. તથા કાર્યક્રમમાં પારસીપેનીના મેયર જેમ્સ બાર્બેરિયો તથા ગુણવંત આરદેસણા, નીતિન પરીખ, ઠાકોર પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં ગુણવંત આરદેસણા દ્વારા ભારત માતાકી જય, વંદે માતરમ, ગણપતિ બાપા મોરિયાના નારા લગાવીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને સૌ ભક્તોને ગણપતિજીનો પ્રસાદ લાડુ આપવામાં આવ્યો હતો.