જો આવી જ આવક ચાલુ રહી તો 24થી 48 કલાકમાં ડેમ ઓવરફ્લો થવાની શકયતા : નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા મોરબી : મેઘરાજા મહેરબાન થતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 80 ટકા ભરાઈ ગયો છે. આ વર્ષે રિપેરિંગ માટે ડેમ સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યો હતો. તેવામાં હવે ડેમ ખૂબ ઝડપથી ભરાવા લાગ્યો છે. મચ્છુ-૨ ડેમ ભારે વરસાદને કારણે અપેક્ષા કરતાં વહેલો ભરાઈ ગયો છે. હાલમાં ડેમ તેની સંગ્રહશક્તિના 80 % ભરાઈ ચૂક્યો છે અને ઉપરવાસમાં સતત 9577 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જો આ આવક જળવાઈ રહેશે તો આગામી 25 થી 48 કલાકમાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. જેને પગલે મોરબી અને માળીયા તાલુકાના કુલ 29 ગામોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા અને તેમની માલ-મિલકત તેમજ પશુધનને સલામત સ્થળે ખસેડી લેવા માટે અપીલ કરવામાં આવી છે.જેમાં મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, ના રણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અને અમરનગર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, અને માળિયા (મી)ના લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.