બાળકોએ ટાઇગર શ્રોફ, સંજય દત્ત, હરનાઝ સંધુ તેમજ સૌરભ સચદેવ જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી મોરબીનું ગૌરવ વધાર્યુંમોરબી: મોરબીના કલાજગતમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. વાઇબ્રન્ટ ડાન્સ એકેડમીના ત્રણ યુવા પ્રતિભાઓ ધ્રુવી વામજા, હુન્નર રોશિયા અને માહી પટેલે બોલિવૂડની ફિલ્મ 'બાગી 4' માં કામ કર્યું છે. આ બાળકોએ સુપરસ્ટાર ટાઇગર શ્રોફ, સંજય દત્ત, હરનાઝ સંધુ તેમજ સૌરભ સચદેવ જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કતી મોરબીનું ગૌરવ વધાર્યું છે. મોરબીની વાઇબ્રન્ટ ડાન્સ એકેડમીના ત્રણ વિદ્યાર્થીઓએ 'બાગી 4' મૂવીમાં પોતાનું કૌશલ્ય બતાવીને સિનેમા જગતમાં પ્રવેશ કર્યો છે. 12 થી 13 વર્ષની ઉંમરના બાળકોએ સુપરસ્ટારો સાથે સ્ક્રીન શેર કરી છે. તેઓએ મુવીમાં અનાથ બાળકોનો રોલ કરી પોતાની અભિનય કલાના કામણ પાથર્યા છે. આ સફળતા પાછળ વાઇબ્રન્ટ ડાન્સ એકેડમીના કોરિયોગ્રાફર ભાસ્કર પૈજાની મહેનત અને માર્ગદર્શન મુખ્ય રહ્યું છે. તેમણે આ બાળકોનું કાસ્ટિંગ કરાવ્યું હતું અને શૂટિંગ દરમિયાન તેઓ પોતે પણ પાંચ દિવસ સુધી મુંબઈમાં બાળકો સાથે રહ્યા હતા. ભાસ્કર ભાઈએ જણાવ્યું કે બાળકોની પસંદગી નક્કી કરેલા માપદંડ મુજબ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે બાળકોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતાથી પણ પરિચિત કરાવ્યા, જેમાં શૂટિંગ દરમિયાન થતી મુશ્કેલીઓ, વારંવાર રીટેક લેવા પડવા અને લાંબો સમય રાહ જોવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.ભાસ્કર પૈજાએ ખાસ કરીને વાલીઓને સંદેશ આપતા કહ્યું કે બાળકોના ટેલેન્ટને હંમેશા સપોર્ટ કરવો જોઈએ અને તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો બાળકોમાં ટેલેન્ટ અને મહેનત કરવાની તૈયારી હોય તો કંઈ પણ અશક્ય નથી. મોરબીના આ ત્રણ બાળકોની જેમ જ ઘણા અન્ય બાળકો પણ આ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માટે સક્ષમ છે. તેમણે ઉમેર્યું કે બાળકોને તેમની રુચિ અનુસાર ક્ષેત્ર પસંદ કરવાની સ્વતંત્રતા આપવાથી તેઓ વધુ સારી રીતે વિકાસ કરી શકે છે. આ સિધ્ધિ મોરબીના કલાજગતને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ક્ષમતા દર્શાવે છે અને અનેક યુવા કલાકારો માટે પ્રેરણાદાયક સાબિત થશે.