દિલ્હીના વાણિજ્ય ભવનમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના હસ્તે તથા હોટેલ અશોકમાં કેન્દ્રીય મંત્રી મનોહરલાલજી અને નારેડકોના હોદ્દેદારોના હસ્તે યોજાઈ ભવ્ય કર્ટેઇન રેઈઝિંગ સેરેમની મોરબી : દેશનો સૌથી મોટો બિલ્ડિંગ મટીરીયલ્સ અને કન્સ્ટ્રક્શન એક્સપો વાયબ્રન્ટ બિલ્ડકોન હવે ભારત બિલ્ડકોનના નામથી ઓળખાશે. જેની કર્ટેઇન રેઈઝિંગ સેરેમની દિલ્હીમાં બે સ્થળોએ યોજવામાં આવી હતી. બન્ને સેરેમનીમાં કેન્દ્રીય મંત્રીઓ તથા નારેડકો, કેપેક્સિલ અને CIIના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપોનું તા.29 એપ્રિલથી 2 મે દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોની પ્રથમ એડિશન ગત વર્ષે વાયબ્રન્ટ બિલ્ડકોન તરીકે અભૂતપૂર્વ રીતે સફળ રહી હતી. હવેથી તેનું નામ બદલીને ભારત બિલ્ડકોન કરવામાં આવ્યું છે. દિલ્હીના વાણિજ્ય ભવન ખાતે ભારત બિલ્ડકોનની કર્ટેઇન રેઈઝિંગ સેરેમની યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ભારત બિલ્ડકોનના લોગોનું અનાવરણ કર્યું હતું. સાથે તેઓએ ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપ્યું હતું. આ વેળાએ CII અને કેપેક્સિલના અગ્રણીઓ તેમજ 18 શહેરોના 21થી વધુ એસોસિએશનના હોદ્દેદારોની પણ ઉપસ્થિતિ રહી હતી. બીજી કર્ટેઇન રેઈઝિંગ સેરેમની હોટેલ અશોકમાં નારેડકોના 17માં વાર્ષિક સંમેલન દરમિયાન યોજવામાં આવી હતી. જે વેળાએ કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના મંત્રી મનોહરલાલજી, નારેડકોના ચેરમેન ડૉ. નિરંજન હિરાનંદાની પ્રમુખ શ્રી હરિ બાબુની ઉપસ્થિતિ રહી હતી. આ વેળાએ દેશના ટોચના 1100 જેટલા બિલ્ડર્સની પણ હાજરી રહી હતી. આ ઇવેન્ટમાં રિયલ એસ્ટેટ અને બાંધકામ ઇકોસિસ્ટમમાં ટકાઉ વૃદ્ધિ, નવીનતા અને તકોને પ્રોત્સાહન આપવામાં નારેડકો અને ભારત બિલ્ડકોને પોતાની ભૂમિકાને મજબૂત કરી હતી.ઉલ્લેખનીય છે કે કોઈ પણ ઇમારતના પાયાથી લઈને સૌથી ઉત્કૃષ્ટ ફિનિશિંગ સુધી ભારત બિલ્ડકોન વધી જ પ્રોડક્ટને એક છત હેઠળ લાવે છે જેમાં માર્બલ, ગ્રેનાઈટ, હાર્ડવેર, લાકડું, ટાઇલ્સ, પેઇન્ટ્સ, સિમેન્ટ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ, ગ્લાસ, HVAC, રિન્યુએબલ એનર્જી, એલિવેટર્સ, ફાયર સેફ્ટી, ઇન્ટિરિયર્સ, રિયલ એસ્ટેટ, રબર, સ્કૅફોલ્ડિંગ, ટૂલ્સ, ગ્રીન બિલ્ડિંગ, કોન્ક્રીટ, મોડ્યુલર યુનિટ્સ અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સ સહિતની પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આ તમામ ઉત્પાદનોને વિશ્વ સમક્ષ મૂકીને ઉત્પાદકોનો વેપાર વધારી દેશના અર્થતંત્રને આગળ લઈ જવા ભારત બિલ્ડકોન ભારત સરકારના સહયોગથી સતત પ્રયત્નશીલ છે.