વિસર્જન માટે કુલ પાંચ કલેક્શન સેન્ટરો જાહેર : તમામ આયોજકોને આ કલેક્શન સેન્ટર ખાતે જ વિસર્જન કરાવવા અપીલમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે પાંચ કલેક્શન સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ જગ્યાએ મહાનગરપાલિકાનો સ્ટાફ જરૂરી મશીનરી સાથે ફરજ બજાવી રહ્યો છે અને ખુબજ શાંતિ પૂર્ણ અને વ્યવસ્થિત રીતે લોકોને મુશ્કેલી ન પડે તે રીતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન થઇ રહયું છે. તા.૩૧ ઓગસ્ટના રોજ કુલ ૧૧૭ મૂર્તિઓ અને તા.૦૨ સપ્ટેમ્બરના રોજ કુલ ૫૪ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને બાકીના દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે. મોરબી શહેરમાં દર વર્ષે જુદી જુદી જગ્યાએ લોકો દ્વારા વ્યકિતગત અથવા જાહેર સ્થળોએ ગણપતિની સ્થાપના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સ્થાપના બાદ ધાર્મિક માન્યતા અનુસાર અમુક દિવસો બાદ ગણપતિની પ્રતિમા પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. મહાપાલિકા કચેરી દ્વારા ગણપતિની પ્રતિમા પાણીમાં વિસર્જન કરવામાં માટે લોકોની જાહેર સલામતીને ધ્યાને લઇ યોગ્ય વ્યવસ્થા કરી સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે મોરબી મહાનગરપાલિકા દ્રારા તા.૩૧/૦૮/૨૦૨૫ રવિવાર, ૦૨/૦૯/૨૦૨૫ મંગળવાર, ૦૪/૦૯/૨૦૨૫ ગુરુવાર અને તા.૦૬/૦૯/૨૦૨૫ શનિવાર સુધીમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે મોરબી મહાનગરપાલિકા દ્રારા ૮ ફૂટથી વધારે ઉંચી મૂર્તિઓ માટે કલેકશન(વિસર્જન) સેન્ટર પીકનીક સેન્ટર, શોભેશ્વર રોડ ખાતે તેમજ ૮ ફૂટ કે તેથી ઓછી ઉંચાઈની મૂર્તિઓના કલેકશન (વિસર્જન) સેન્ટર તરીકે (૧) સ્કાય મોલ, શનાળા રોડ, મોરબી, (૨) પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ, મોરબી, (૩) એમ.પી.શેઠ ગર્લ્સ હાઈ સ્કુલ, (૪) એલ.ઈ.કોલેજ, ક્રીકેટ ગ્રાઉન્ડ, મોરબી-૨ જાહેર કરી સવારે ૧૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી ગણેશજીની મૂર્તિ એકઠી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમ ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.