હાલ ટાઇલ્સ ઉપર લાગુ 18 ટકા જીએસટી ઘટાડીને 5 ટકા કરવાની માંગ હતી : હજુ આજે પણ જીએસટી કાઉન્સિલની બેઠક ચાલુ, રાહત મળે તેની જોવાતી રાહમોરબી : જીએસટી કાઉન્સિલની બેઠકના પ્રથમ દિવસે જ રાત્રે જીએસટીના મોટા ફેરફારોની જાહેરાત થઈ છે. જેમાં અનેક પ્રોડક્ટના જીએસટી દર ઘટાડવામાં આવ્યા છે. પરંતુ સિરામિક ટાઇલ્સ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠક આજે પણ યથાવત છે. જેથી હજુ પણ ઉદ્યોગકારો રાહત મળે તેની આશાએ નવી જાહેરાત થવાની રાહ જોઈ રહ્યા છે.જીએસટી કાઉન્સિલે ગતરોજ યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો હતો. કાઉન્સિલે જીએસટી માટે બે સ્લેબ 5 ટકા અને 18 ટકા જ યથાવત રાખ્યા છે. આ સાથે વર્તમાન 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલી લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર હાઈ રેટ લગાવાયા છે. બેઠકમાં હાજર તમામ સભ્યો તમાકૂ ઉત્પાદનો અને લકઝરીયસ વસ્તુઓ ઉપર 40 ટકા ટેક્સ લાદવા માટે સંમત થયા હતા.આ બેઠકમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ 18% થી 5%, માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો 12% થી 5%, પ્રી-પેકેજ્ડ નમકીન અને ચવાણું 12% થી 5%, વાસણો 12% થી 5%, ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર 12% થી 5%, સીવણ મશીન અને તેના ભાગો 12% થી 5% જીએસટી જાહેર કરવામાં આવ્યો છે.આરોગ્ય ક્ષેત્રે જોઈએ તો હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ 18% થી શૂન્ય, થર્મોમીટર 18% થી 5%, મેડિકલ ગ્રેડ ઓક્સિજન 12% થી 5%, ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ 12% થી 5%, ચશ્મા 12% થી 5% જીએસટી કરવામાં આવ્યો છે. સ્ટેશનરી વસ્તુઓમાં નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ 12% થી શૂન્ય, પેન્સિલ, શાર્પનર્સ, ક્રેયોન્સ-પેસ્ટલ્સ કલર્સ 12% થી શૂન્ય, પાઠ્ય પુસ્તકો અને નોટબુક્સ 12% થી શૂન્ય, ઇરેઝર 5% થી શૂન્ય જીએસટી કરાયો છે. ખેડૂતો માટે ટ્રેક્ટર 12% થી 5%, ટ્રેક્ટર ટાયર અને ભાગો 18% થી 5%, જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 12% થી 5%, જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો 12% થી 5% જીએસટી કરાયો છે.પેટ્રોલ, LPG અને CNG કાર (1200 CC અને 4000 MM સુધીના) 28% થી 18%, ડીઝલ કાર (1500 CC અને 4000 MM સુધીના) 28% થી 18%, થ્રી-વ્હીલર વાહનો 28% થી 18%, 350 CC સુધીના બાઇક 28% થી 18%, માલ પરિવહન માટેના વાહનો 28% થી 18% જીએસટી કરવામાં આવ્યો છે.ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં એર કંડિશનર 28% થી 18%, 32 ઇંચથી મોટા ટીવી 28% થી 18%, મોનિટર અને પ્રોજેક્ટર 28% થી 18%, ડીશ વોશિંગ મશીન 28% થી 18% જીએસટી કરવામાં આવ્યો છે. જ્યારે સુપર લક્ઝરી ચીજવસ્તુઓ, પાન મસાલા, સિગારેટ ગુટખા, ચાવવાની તમાકુ, જરદા, એડેડ શુગર, કાર્બોનેટેડ ડ્રિંક્સ, વ્યક્તિગત ઉપયોગ માટે એરક્રાફ્ટ, લક્ઝરી કાર ઉપર 40 ટકા જીએસટી લાગુ કરવાને મંજૂરી મળી છે.ઉલ્લેખનીય છે કે આ બધી જાહેરાત વચ્ચે સિરામિક ઉદ્યોગ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલ ટાઇલ્સ ઉપર લાગુ 18 ટકા જીએસટી ઘટાડીને 5 ટકા કરવાની છેલ્લા ઘણા સમયથી માંગ હતી. આ મામલે એસોસિએશન સહિત સંસ્થાઓ દ્વારા છેક નાણામંત્રી સુધી રજૂઆતોનો દૌર ચલાવ્યો હતો. પણ જીએસટી માટે કોઈ રાહતરૂપી જાહેરાત થઈ નથી. જો કે આજે પણ બેઠક યથાવત છે. એટલે હજુ પણ ફરી જાહેરાત થાય તેના ઉપર ઉદ્યોગકારોએ મીટ માંડી છે. કેપેક્સિલના સિરામિક પેનલના વાઇસ ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખેતીને લગતા સાધનો, મેડિકલ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આનાથી સામાન્ય નાગરિકોને સરેરાશ 10%ની રાહત મળશે, જે લોકોની ખરીદશક્તિ વધારશે અને આવનારા સમયમાં ભારતનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે. આ સામાન્ય લોકોના હિતમાં લેવાયેલા નિર્ણય માટે વડાપ્રધાન અને નાણામંત્રીનો આભાર. સાથોસાથ સિરામીક ઉદ્યોગ વતી સિરામીક ટાઇલ્સ તેમજ સેનેટરીવેર્સ પ્રોડકટને 5 %ના સ્લેબમા લાવવાની માંગ કરીએ છીએ. જેથી કરીને સામાન્ય લોકોના ઘરમા વપરાતી આ પ્રોડકટમા જીએસટી દર ઘટશે તો સામાન્ય લોકોનુ સ્વપ્ન ઘરનુ ઘર અને ઘર ઘર શૌચાલય સાકાર બનશે.