સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમો સહિત અનેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ આરતીનો લ્હાવો લીધોમોરબી: મોરબી-માળીયા (મીં) વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ તાજેતરમાં વિવિધ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં હાજરી આપીને લોકસંપર્ક જાળવી રાખ્યો છે. તેમણે અનેક ગણેશજી પંડાલોની મુલાકાત લીધી હતી અને ધાર્મિક પ્રસંગોનો લાભ પણ લીધો હતો.પૂર્વ મંત્રી મેરજાએ માધાપરની કન્યા અને કુમાર શાળામાં 'હમારા વિદ્યાલય હમારા સ્વાભિમાન' અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા અને બાળકો સાથે શિક્ષણ અંગે વાર્તાલાપ કર્યો હતો. આ ઉપરાંત, નાની વાવડી ખાતે આયોજિત જિલ્લા ગ્રામ્ય વન મહોત્સવમાં તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટર તથા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે ઉપસ્થિત જનમેદનીને વૃક્ષોનું મહત્વ સમજાવી તેના જતન માટે પ્રોત્સાહન આપ્યું હતું.બ્રિજેશ મેરજાએ માળીયા (મીં) તાલુકાના રાસંગપર ગામે પૂર્વ સરપંચ ભારદ્વાજના નિવાસે ધાર્મિક અવસરનો લાભ લીધો હતો અને રાસંગપર ગ્રામ પંચાયતમાં આગેવાનો તથા તાલુકા પંચાયતના સભ્યો સાથે વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે 'સેવા એજ સંપતિ' ફાઉન્ડેશનના કાર્યાલયની મુલાકાત લઈ યુવા અગ્રણી અજય લોરીયા સાથે આગામી નવરાત્રિ અંગે વિચાર વિમર્શ કર્યો હતો. તેમજ મોટા દહીંસરા ગામે તેમણે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડના પિતાના નિધન પર શોક વ્યક્ત કરી પરિવારને સાંત્વના પાઠવી હતી.પૂર્વ મંત્રીએ મોરબીના જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત ગણેશજીના પંડાલોની મુલાકાત લીધી હતી. તેમણે સાંસદ વિનોદભાઈ ચાવડા, ડો. જયંતિભાઈ ભાડેશિયા અને શહેર તાલુકા ભાજપના અઘરણીઓ સાથે સિદ્ધિ વિનાયક ગણેશજીની આરતીમાં સજોડે ભાગ લીધો હતો. જ્યાં આયોજક અરવિંદભાઈ બારૈયાએ તેમનું સન્માન કર્યું હતું. લખધીરવાસના મયુર નગરી કા રાજા, હાઉસિંગ બોર્ડ કા રાજા, અને રવાપરના રામેશ્વર પાર્ટી પ્લોટમાં યોજાયેલા ગણેશ ઉત્સવોમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે વિવિધ કલાકૃતિઓ નિહાળી હતી અને યુવા અગ્રણીઓ સાથે ધાર્મિક વાર્તાલાપ પણ કર્યો હતો. તેમજ શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયાના નિવાસ સ્થાને પૂર્વ કાઉન્સિલર માવજીભાઈ કંઝારીયા તેમજ જયુભા જાડેજા સાથે આરતીનો લ્હાવો લીધો હતો. તેમજ રવાપર ખાતે રામેશ્વર પાર્ટી પ્લોટમાં પટેલ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ પંડલમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક કૃતિઓ નિહાળી હતી. તેમજ સામા કાંઠે નગરપાલિકાના પૂર્વ ઉપ્રમુખ જયરાજસિંહ જાડેજા ની ટીમ પ્રાયોજિત ગણેશ પંડલમાં આરતીનો લાભ લઈ ગણેશ ઉત્સવનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ ભૂલકાઓ ની વિવિધ સ્પર્ધાત્મક રમતો નિહાળી હતી. મોરબી માર્કેટિંગ યાર્ડમાં સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા સાથે વિવિધ આગેવાનોની હાજરીમાં તેમણે સહકારી અને ખેતી સંબંધિત પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આમ, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીમાં સતત પ્રવૃત્તિશીલ રહીને લોકસંપર્ક જાળવી રાખ્યો છે. તેમ યાદીમાં જણાવાયું છે.