ગણેશ વિસર્જન ટાણે જ મેઘરાજા સટાસટી બોલાવશેમોરબી : મોરબી જીલ્લામાં આગામી શનિ-રવિ મેઘરાજા સટાસટી બોલાવાના છે. તેવી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે. આમ ગણેશ વિસર્જન ટાણે જ ભારે વરસાદની વકી છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે આગામી દિવસો માટેની આગાહી જાહેર કરવામાં આવી છે. જેમાં આવતીકાલે તા.5ને શુક્રવારે મોરબી જીલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે તા.6ને શનિવારે મોરબી જીલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરાઈ છે. આ દિવસે સુરેન્દ્રનગર જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે તા.7ને રવિવારના રોજ પણ મોરબી જીલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે પણ અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ દિવસે કચ્છ જીલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તા.8ને સોમવારના રોજ મોરબી જીલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે સામાન્ય વરસાદ પડવાની આગાહી જાહેર કરાઇ છે. ત્યારબાદ હવામાન સામાન્ય થાય તેવી શકયતા છે.