મોરબી : મોરબી તાલુકાના વર્ષ ૨૦૧૩ના અપહરણ કરવાના બનાવમાં ચાર આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થઈ હતી. બીજા ત્રણ આરોપીઓ તેમાં બાકાત હોય તેઓને જોડવાની અરજી મોરબી સેસન્સ કોર્ટે મંજુર કરી છે.સને-૨૦૧૩માં ભોગ બનનાર દીપેશભાઈનું રૂા. ૬૦ લાખની ઉઘરાણીમાં અપહરણ કરવામાં આવેલ, જે અંગે ભોગ બનનારના પત્ની નિશાબેને ફરીયાદ આપેલ હતી. જે કેસમાં મુળ સાવ્યો સીરામીક વાળાઓએ જે-તે સમયના તપાસ કરનાર અમલદાર સાથે મીલાપીપણું કરી ભોગ બનનારનું ખોટું સોગંદનામું કરાવી મુળ આરોપીઓને બચાવવા નામદાર કોર્ટમાં વર્ગ ''સી-સમરી' દાખલ કરેલ જે મુળ ફરીયાદીનો પુરાવો ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા સને-૨૦૧૬માં સમરી 'નામંજુર' કરી વધુ તપાસ સાથે નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવા હુકમ કરેલ હતો. તેમ છતા વધુ તપાસમાં પણ મુળ આરોપીઓને છાવરી ફકત ચાર આરોપીઓ વીરુધ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી.આ કેસમાં ફરીયાદી તથા અન્ય સાહેદ બાદ ભોગ બનનાર દીપેશભાઈની જુબાની નામદાર કોર્ટ રુબરુ લેવાયા બાદ મુળ ફરીયાદી તરફે સદર ગુનાના મુખ્ય આરોપીઓને સદર ગુનાના કામે જોડવા અરજી કરેલ જેમા નામદાર સેસન્સ કોર્ટ, મોરબી દ્વારા મુળ ફરીયાદીના વકીલ હિરલ આર. નાયકની લેખીત તથા મૈાખીક દલીલો સાંભળી નામદાર સેસન્સ કોર્ટ, મોરબી દ્વારા ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી (૧) જીજ્ઞેશભાઈ ધર્મેશભાઈ મેથાણીયા- સાવ્યો સીરામીકવાળા, (૨) ધીમંતભાઈ અમૃતલાલ મેથાણીયા તથા (૩) શામજીભાઈ નાગરભાઈ મેથાણીયા નાઓને આરોપી તરીકે જોડવા નામદાર મુખ્ય સેશન્સ કોર્ટ, મોરબી દ્વારા હુકમ કરવામાં આવેલ છે. ફરીયાદી પક્ષે વકીલ હિરલ આર. નાયક રોકાયેલ હતા. તેમ યાદીમાં જણાવાયું છે.