પાંચ વર્ષથી અધૂરું બાંધકામ, પાણી નિકાલની સમસ્યા, સુરક્ષા સંબંધિત બેદરકારી તેમજ ભ્રષ્ટાચારની આશંકા અંગે રજૂઆતમાં જણાવાયુમોરબી: મોરબી શહેરમાં નેશનલ હાઈવે 8A (NH 364) પર શક્તિ ચેમ્બર પાસે છેલ્લા પાંચ વર્ષથી અધૂરા રહેલા ફૂટ ઓવરબ્રિજ (FOB)ના બાંધકામ અંગે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, મોરબીના ઉપાધ્યક્ષ મેહુલ ગાંભવા દ્વારા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં અધૂરા બાંધકામને કારણે સ્થાનિક લોકોને પડી રહેલી ભારે મુશ્કેલીઓ અને ગેરરીતિઓની વિગતો આપવામાં આવી છે.રજૂઆત મુજબ, આ ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ પાંચ વર્ષ પહેલા શરૂ થયું હતું, પરંતુ આજ દિન સુધી તે પૂર્ણ થયું નથી. જેના કારણે રાહદારીઓને હાઈવે ક્રોસ કરવામાં ભારે જોખમનો સામનો કરવો પડે છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બાંધકામ દરમિયાન ફૂટ ઓવરબ્રિજની બીમ ગટર લાઈનમાં નાખી દેવામાં આવી છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે અને સર્વિસ રોડ પર જળભરાવની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આ ઉપરાંત, ફૂટ ઓવરબ્રિજની બરાબર ઉપરથી 66 કેવી (kV)ની હાઈ વોલ્ટેજ વીજળીની લાઈનો પસાર થતી હોવા છતાં કોઈ પણ સુરક્ષા તપાસ વગર કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે એક મોટી સુરક્ષા ચૂક ગણાય છે. આ બેદરકારી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.આ અધૂરા બાંધકામ, ગુણવત્તાનો અભાવ અને સુરક્ષા નિયમોની અવગણનાને કારણે રજૂઆતકર્તાએ બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેમણે કેન્દ્રીય મંત્રીને એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવા જણાવ્યું છે. આ સમિતિ દ્વારા સમગ્ર મામલાની વિસ્તૃત તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆત બાદ કેન્દ્ર સરકાર આ મામલે ત્વરિત હસ્તક્ષેપ કરી જરૂરી પગલાં લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.