મોરબી : સંયુક્ત રાષ્ટ્ર(UNO) દ્વારા વર્ષ - 2025ને ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકેની ઉજવણીના ભાગરૂપે મોરબી સહકારી મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર ડો. બી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્ર, તાલુકા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ, મોરબી ખાતે કુ-પોષિત બાળકોને પોષણ કીટના વિતરણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલષચંદ્ર ભટ્ટ તથા આઈસીડીએસના પ્રોગ્રામ ઓફીસર મયુરીબેન ઉપાધ્યાય સહિતના મહાનુભાવના હસ્તે ICDS શાખા, જિલ્લા પંચાયત, મોરબી ઘટક-1 અને ઘટક-2 માં નોંધાયેલ કુ-પોષિત બાળકો (SAM)ને મોરબી સીટીઝન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. દ્વારા તૈયાર કરવામાં આવેલ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બાળકોને તેમજ સગર્ભા માતાઓને દૈનિક પોષણયુકત આહાર, ફણગાવેલ કઠોળ, ઘરે બનાવેલ આહાર મળી રહે તે માટેકુ-પોષિત બાળકોની માતાઓ તથા લગત આંગણવાડી વર્કર બહેનોને માહિતગાર કરવા તથા બાળકોની શારીરીક તંદુરસ્તી જળવાય રહે અને બાળકોનું ભવિષ્ય ઉજળુ બને તે માટે પહેલ કરવામાં આવી તેમજ બાળકોને બજારના જંકફૂડ ન આપવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સહકારી મંડળીઓ, મોરબી જિલ્લા રજિસ્ટ્રારની કચેરી, ICDS શાખા, જિલ્લા પંચાયત, મોરબી સીટીઝન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી, સહકારી મંડળીઓના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો.