વિકાસ સમયે જનીનીક ખામી સર્જવાથી આવા વિકૃત બચ્ચા જન્મતા હોવાનું કારણ હળવદ : હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે.અહીં ભેંસે બે મોઢાવાળી પાડીને જન્મ આપતા ભારે કૂતુહલ સર્જાયું છે. તો બીજી તરફ બે મોઢાવાળી પાડી જન્મતા જોવા માટે લોકો પણ ઘટના સ્થળે ઉભટી પડ્યા હતા. હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે રહેતા ગોપાલભાઈ તેજાભાઈ કોળીની ભેંસને આજે બે મોઢાવાળી પાડી જન્મી હતી. જેથી હાજર સૌ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બીજી તરફ થોડા દિવસ પહેલા બાજુના સરંભડા ગામે પણ બે મોઢાવારી વાછડીનો જન્મ થયો હતો. જેથી લોકો પણ જુદી જુદી વાતો કરી રહ્યા છે. જોકે આ અંગે પશુધન નિરીક્ષક એફ.એસ સોઢાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, બે મોઢા કે પાંચ પગ, છ પગ કે પછી ત્રણ પગ કે પછી બે પૂંછડી, તો ક્યારેક વિકૃત મોઢાવાળા બચ્ચા પાલતું પશુઓને જન્મતા હોય છે. આ એક જનીનીક ખામી છે. જ્યારે પશુના ગર્ભાશયમાં બચ્ચાનો વિકાસ થતો હોય ત્યારે કોઈ કારણોસર જનીનીક ખામી સર્જવાથી આવા વિકૃત બચ્ચા જન્મતા હોય છે અને મોટાભાગના આવા બચ્ચા થોડા સમયમાં મૃત્યુ પણ પામતા હોય છે. જેથી આ કોઈ ચમત્કાર કે વિજ્ઞાન નથી ?