મોરબી : સિરામિક નગરી તરીકે ઓળખાતું મોરબી હવે વિવિધ ઉદ્યોગક્ષેત્રમાં પણ આગળ વધી ગયું છે. મોરબીના માટીકલાકારો પણ હવે દેશમાં ડંકો વગાડીને મોરબી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે મોરબીના સચ્ચી મિટ્ટીના માલીક રસિકભાઈ નારણભાઈ સંખલપરાને MSME રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.તાજેતરમાં MSME ઈન્ડિયા દ્વારા દિલ્હી ખાતે MSME રત્ન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી 65 નાના MSME ઉદ્યોગની પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ચેમ્બર ઓફ ઈન્ડિયા MSMEના મુકેશ મોહન ગુપ્તા અને MSME ઓફ ઈન્ડિયાના એડિશનલ સેક્રેટરી એન્ડ ડેવલોપમેન્ટ કમિશનર ડો. રજનિશ (IAS) ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાતમાંથી મોરબીના સચ્ચી મિટ્ટીના માલીક રસિકભાઈ નારણભાઈ સંખલપરાને MSME રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સચ્ચી મિટ્ટીને ગુડ પ્રોડક્ટ ફોર હેલ્થ થકી MSME રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, મોરબીના રસિકભાઈ સંખલપરા સચ્ચી મિટ્ટી નામથી માટીના વિવિધ વાસણો બનાવી રહ્યા છે. જેમાં ઘરમાં ઉપયોગી વાસણો, માટલા, કિચનવેરની વિવિધ આઈટમો, ગ્લાસ, વાટકા, પાણીની બોટલ સહિતની વસ્તુઓ માટીમાંથી બનાવે છે. જેનો લોકો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે.