મોરબીના ખાતરના છ વિક્રેતાના લાયસન્સ સસ્પેન્ડ, હળવદના દુકાનદારનો પરવાનો રદખેતીવાડી વિભાગે 276 વિક્રેતા પૈકી 68ને ત્યાં ચેકીંગ કરી 28 વિક્રેતાને નોટિસ ફટકારીમોરબી : રાજ્યમાં ખેડૂતોને ખરીફ સિઝનમાં ખરા સમયે જ ખાતર ન મળતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે ત્યારે મોરબી જિલ્લામાં હાલમાં ખેડૂતોને જરૂરી એવા યુરિયા, ડીએપી અને એનપીકે ખાતરનો વિશાળ જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવી ખેતીવાડી વિભાગે ચાલુ મહિનામાં જિલ્લાના 276 પૈકી 68 ખાતર વિક્રેતાઓને ત્યાં સઘન ચેકીંગ કરી 28 પરવાનેદારોને નોટિસ ફટકારી પીઓએસ વસાવી ખાતરનું વેચાણ નહીં કરતી છ મંડળીઓના પરવાના દસ દિવસ માટે સસ્પેન્ડ કરી નાખી હળવદની એક દુકાનનો પરવાનો રદ કરી નાખ્યો હોવાનું જણાવ્યું હતું.મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના નાયબ ખેતી નિયામક કે.જી.પરસાણીયાના જણાવ્યા મુજબ મોરબી શહેર-જિલ્લામાં ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે સરકારની સૂચના મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 276 ખાતર વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી વિભાગ દ્વારા નિયમિત ચકાસણી કરવામાં આવે છે. તાજેતરમાં 276 પૈકી 68 વિક્રેતાઓને ત્યાં ચેકીંગ દરમિયાન 28 વિક્રેતાઓને ત્યાં ત્રુટીઓ જોવા મળતા નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં છ ખાતર વિક્રેતાઓ સરકારના આદેશ મુજબ પીઓએસ મશીન વડે ખાતરનું વિતરણ કરતા ન હોવાથી તેમના પરવાના દસ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.વધુમાં હળવદ પંથકમાંથી યુરિયા ખાતરનું કાળાબજારમાં બેફામ વેચાણ થતું હોવાની ભૂતકાળની ફરિયાદો વચ્ચે ખેતીવાડી વિભાગ દ્વારા ભવાની ફાઉન્ડેશન નામના ખાતર વિક્રેતાનો પરવાનો રદ કરી નાખ્યો હોવાનું પણ નાયબ ખેતી નિયામક દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. વધુમાં તેમને ઉમેર્યું હતું કે, હાલમાં મોરબી જિલ્લામાં યુરિયા ખાતરનો 2700 મેટ્રિક ટન, ડીએપી ખાતરનો 3300 મેટ્રિક ટન તેમજ એનપીકે ખાતરનો 6100 મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ હોવાનું અને ખાતરની અછત ન હોવાનું જણાવ્યું હતું.જિલ્લામાં કઈ કઈ મંડળીના પરવાના સસ્પેન્ડ ?મોરબી નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી કે.જી.પરસાણીયાના જણાવ્યા મુજબ સરકારના આદેશ મુજબ પીઓએસ મશીન મારફતે જ ખાતરનું વેચાણ કરવાનું ફરજિયાત હોવા છતા પણ મોરબીના ધુળકોટ, ઉંચી માંડલ, આમરણ, ભરતનગર, નવા સાદુળકા અને ટંકારા તાલુકાના નસીતપર ગામની સેવા સહકારી મંડળી દ્વારા પીઓએસ મારફતે ખાતરનું વેચાણ ન થતું હોવાનું સામે આવતા આ તમામ મંડળીઓના પરવાના દસ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યા છે.