ગામમાં ગટરની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોની કલેકટરને રજુઆત : તંત્રને 30 દિવસનું અલ્ટીમેટમ અપાયું, ત્યારબાદ આંદોલન છેડવાની જાહેરાતમોરબી : હળવદના ચરાડવા ગામે ગટરની વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. આ મામલે અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળવાથી ગ્રામજનોએ કલેકટર કચેરીએ આવી ઉગ્ર રજુઆત કરી હતી. સાથે તેઓએ તંત્રને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. સાથે તેઓએ આંદોલન કરવાની અને મત જ ન આપી વિસાવદર વાળી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.રજુઆતમાં જણાવાયુ હતું કે ચરાડવા હળવદ તાલુકાનું સૌથી મોટું ગામ છે. ગામની અંદાજિત વસ્તી 15,000 થી વધુ છે. છતાં પણ આજ સુધી ગામને ભૂગર્ભ ગટર વ્યવસ્થા જેવી મૂળભૂત અને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવ્યું છે.આ સમસ્યા માત્ર એક નાની તકનિકી બાબત નથી પરંતુ ગામના આરોગ્ય, શિક્ષણ, સામાજિક જીવન, ધાર્મિક પ્રવૃત્તિઓ અને સમગ્ર વિકાસ માટે એક ગંભીર અવરોધ બની ગઈ છે.ગામની હાલની પરિસ્થિતિમાં જોઈએ તો વરસાદી ઋતુ દરમ્યાન ઘરો અને રસ્તાઓમાં ગંદુ પાણી ભરાઈ જતું હોય છે. ગંદા પાણીના કારણે માર્ગો પર દુર્ગંધ ફેલાય છે, જીવાત અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. મચ્છરજન્ય રોગો અને ચેપજન્ય રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે.ગામમાં શાળાઓની આસપાસ સતત ગંદકીને કારણે બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડે છે, મહિલાઓને રોજિંદા કાર્યોમાં ગંભીર તકલીફો થાય છે. વૃદ્ધોને મંદિર તથા ધાર્મિક સ્થળોએ જવામાં હાલાકી થાય છે. ખુલ્લા ગટરના ગંદા પાણીથી પડોશીઓ વચ્ચે ઝઘડા અને સામાજિક તણાવ સર્જાય છે. આ પરિસ્થિતિમાં ગામના દૈનિક જીવન પર ગંભીર અસર થઈ રહી છે.ગામના લોકો દ્વારા વારંવાર અગાઉની રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આ પહેલા પણ ગામના લોકોએ સાથે મળીને તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, વિસ્તારના ધારાસભ્ય અને વિસ્તારના સાંસદને પણ વારંવાર રજૂઆતો કરી છે તેમ છત્તા કોઈ ધ્યાન આપવામાં આવ્યુ નથી. આ સિવાય ગ્રામ પંચાયત દ્વારા પણ વારંવાર રજૂઆત કરાઈ છે. દરેક ચૂંટણી વખતે વચનો આપવામાં આવે છે પરંતુ ચૂંટાઈ ગયા બાદ કોઈપણ જનપ્રતિનિધિ કે તંત્ર આ મુદ્દાને ગંભીરતાથી લેતું નથી. ગામના લોકો તંત્રને 30 દિવસનું અલ્ટિમેટમ આપે છે. આ સમય દરમિયાન ગામને ભુગર્ભ ગટર યોજનામાં સમાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવવાની ફરજ પડશે. ચરાડવા ગામના લોકો આ સમસ્યાથી એટલા પરેશાન છે કે આવનારા સમયમાં રસ્તા પર ઉતરીને રસ્તા રોકો આંદોલન, ચૂંટણી બહિષ્કાર, ભુખ હડતાલ, સરકારી કચેરીનો ઘેરાવ કે પછી બીજા ઉગ્ર કાર્યક્રમો આપશે તો આ તમામની જવાબદારી તંત્રની રહેશે.ગામમાં એક મહિનામાં ડેન્ગ્યુના 36 કેસ નોંધાયાઆ અંગે સ્થાનિકે જણાવ્યું કે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી ગામમાં ગટર જેવી સુવિધા નથી. સ્કૂલ અને મંદિરો આસપાસ ગંદકી છે. રોગચાળા ફેલાઈ છે. એક જ મહિનામાં 36 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ગટરની માંગ યોગ્ય રીતે સંતોષવામાં નહિ આવે તો 30 દિવસમાં આંદોલન ઉપર ઉતરીશું. અનેક કાર્યક્રમો આપીશુ.સાંસદ મત માંગવા આવ્યા ત્યારે ગટરની સુવિધા આપવાના સમ ખાધા હતાચંદ્રિકાબેન સોનગ્રાએ જણાવ્યું કે અમારા સંસદ સભ્યએ સમ ખાધા હતા કે મને મત આપશો તો ગટરનું કામ કરાવીશું. આ વાતને 2 વર્ષ થઈ ગયા. અહીં આટો મારવા પણ કોઈ આવ્યું નથી. નેતાઓ અને અધિકારીઓ ગામમાં ખાલી ગાડી લઈને ફરશે તો પણ ખબર પડશે કે અમે અહીં કેમ રહીએ છીએ. જો ગટરની સુવિધા નહિ મળે તો મત જ નહીં દઈએ. વિસાવદરવાળી કરીશું. રોડ ચક્કાજામ કરીશું. અધિકારીઓની ટિમ ગામની રૂબરૂ મુલાકાત લેશે : કલેકટરજીલ્લા કલેકટરે જણાવ્યું કે ચરાડવા ગામેથી 250થી 300 જેટલા સ્વચ્છતા બાબતે પડતી તકલીફ માટે આવ્યા હતા. તેઓએ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોવાથી રોગચાળો અને ગંદકીના પ્રશ્નો અંગે રજુઆત કરી હતી. આ બાબતે પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જીનિયર અને અમારી ટિમ ગામની રૂબરૂ મુલાકાત કરશે. એકવાર વહીવટી મંજૂરી મળ્યા પછી સાંસદ, ધારાસભ્ય, ડીડીઓ અને એસપી સાથે ગ્રામસભાનું આયોજન કરીશું. પ્રજાના પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય તેવા પ્રયાસ કરીશું.