કેરાવીટ અને સોનેક્ષ સિરામિકની વિઝિટ લીધી : પોતાના પ્રોજેકટ માટે ડાયરેક્ટ મોરબીથી જ ટાઇલ્સ ખરીદવાની તેઓએ જાહેરાત કરીમોરબી : WWEના ભૂતપૂર્વ રેસલર એવા વિશ્વ પ્રસિદ્ધ ધ ગ્રેટ ખલીએ મોરબીની મુલાકાત લીધી હતી. તેઓએ કેરાવીટ અને સોનેક્ષ સિરામિક એકમની વિઝિટ લઈ મોરબીમાં બનતી ટાઇલ્સને નિહાળી તેની પ્રસંશા કરી હતી. સાથે તેઓએ પોતાના પ્રોજેકટમાં પણ મોરબીથી જ ટાઇલ્સ ખરીદવાની જાહેરાત કરી હતી.આ મુલાકાત અંગે કેપેક્સિલના સિરામિક પેનલના વાઇસ ચેરમેન અને કેરાવીટ તથા સોનેક્ષ સિરામિકના ડિરેક્ટર નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે ધ ગ્રેટ ખલી જે વિશ્વ પ્રસિદ્ધ છે અને મજબૂતાઈનું પ્રતીક છે. તેઓને મોરબીની સિરામિક ટાઇલ્સને જોવા અને તેના વિશે માહિતી મેળવવાની ઈચ્છા હતા. જેથી આમંત્રણ આપતા ગઈકાલે તેઓ મોરબી પધાર્યા હતા. તેઓએ કેરાવીટ અને સોનેક્ષની મુલાકાત લીધી હતી.ધ ગ્રેટ ખલીએ બન્ને એકમોમાં અંદાજે બેથી અઢી કલાકનો સમય ગાળ્યો હતો. આ દરમિયાન તેઓ અહીંની સિરામિક પ્રોડક્ટ નિહાળી અભિભૂત થયા હતા. તેઓએ પોતાના પ્રોજેકટ માટે પણ સીધી મોરબીથી જ ટાઇલ્સની ખરીદી કરવાની જાહેરાત કરી હતી. વધુમાં સિરામિક એકમના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલનું વિશાળ સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે. કાર્ય સ્થળે આ સ્ટેચ્યુ મુકવાના નિર્ણયની તેઓએ પ્રસંશા કરી હતી.