આચ્છાદન, આંતરપાક, જીવામૃત સહિતના પ્રાકૃતિક કૃષિના મહત્વના ઘટકોના યોગ્ય ઉપયોગ થકી દાડમની ગુણવતાની સાથે નફો વધારવો સંભવમોરબી: મોરબી જિલ્લાના ખેડૂતો વિવિધ પાક અને બાગાયતી પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી સફળતા મેળવી રહ્યા છે. મોરબી જિલ્લામાં અને ખાસ કરીને હળવદ વિસ્તારમાં દાડમની બાગાયતી ખેતી વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે. દાડમના ઉત્પાદનમાં મોરબી જિલ્લો સમગ્ર ગુજરાતમાં ત્રીજો અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ ધરાવે છે. ત્યારે યોગ્ય માવજત અને સાર-સંભાળ થકી પ્રાકૃતિક કૃષિથી દાડમની સફળ ખેતી કરી શકાય છે. દવાઓના ખર્ચ ઘટાડી ઉત્પાદકતાની સાથે નફાકારતકતા પણ વધારી શકાય છે.પ્રાકૃતિક કૃષિથી દાડમની ખેતી કરવા માટે કટકા કલમ અથવા ગુટ્ટી કલમથી પ્રસર્જન કરી જમીનની ગુણવત્તા મુજબ યોગ્ય જગ્યા રાખી દાડમની રોપણી કરવાની રહે છે. દાડમની રોપણી કરતા પહેલા ૧૦૦ કિલો દેશી ગાયના છાણનું ખાતર, ૫૦ કિલો ઘન જીવામૃત અને ૩૦૦ કિલો ત્યાંની જ માટીનું મિશ્રણ તૈયાર કરી રોપણી સમયે આ મિશ્રણનો ઉપયોગ દરેક કલમ અને આંતર પાક સાથે કરવો જોઈએ.રોપણી બાદ તરત જ જીવામૃત સાથે ઓ પાણી આપવું જરૂરી છે તથા આંતરપાક તરીકે સુધારેલ એરંડા, તુવેર કે મરચા, ગલગોટા, ગાદલિયા, વેલાવાળા શાકભાજી, ટમેટા, રીંગણ, ગુવાર વગેરેના બીજ અથવા છોડ વાવવા જોઈએ. વરસાદી ઋતુમાં જ્યારે વરસાદ ૨ - ૪ દિવસ માટે વરસાદ રોકાય ત્યારે થોડું થોડું જીવામૃત બધી કલમ તથા આંતર પાકોની બાજુની જમીન પર નાખવું મહિનામાં ૧ કે ૨ વાર જીવામૃત નાખવાનું રહે છે. વરસાદની ઋતુ પૂરું થઈ જાય ત્યારબાદ સિંચાઈના પાણીની સાથે મહિનામાં ૧-૨ વાર જીવામૃત ૨૦૦ થી ૪૦૦ લિટર પ્રતિ એકરના હિસાબથી નાખવું, મહિનામાં ૧ થી ૨ વાર બધા પાક પર ૧૦૦ લિટર પાણીમાં ૫ લિટર જેવા મૃત ભેળવી તેનો છંટકાવ કરવો તથા ત્યારબાદ ૧૦૦ લિટર પાણીમાં ૭ લીટર જીવામૃત મેળવી છંટકાવ કરવો તેમજ ત્યારબાદ ૧૦૦ લિટર પાણીમાં ૧૦ લિટર ના હિસાબથી જીવામૃત ભેળવી છંટકાવ કરતો રહેવો જરૂરી છે.જીવામૃત અને આચ્છાદનને પરસ્પર ગાઢ સંબંધ છે, શરૂઆતમાં આંતરપાકો તૈયાર થાય ત્યારબાદ એ સજીવ આચ્છાદન બની જાય છે. જ્યારે આંતર પાકોની ઉંમર ઉત્પાદન બાદ પૂર્ણ થઈ જશે ત્યારે આ પાકના અવશેષો આચ્છાદન બની જશે. સરગવાના વૃક્ષ પરથી લીલી શીંગ થોળ્યા બાદ તેની છટણી કરવામાં આવશે તો તેનો કચરો પણ મલ્ચીંગનું કામ કરશે. છાટણીનો બીજો લાભ એ થશે કે નવા અંકુર તેના પર વધુ ઝડપથી આવશે અને ત્યારબાદનું આચ્છાદન આપણને વધુ ઝડપથી વધુ માત્રામાં મળશે. આંતર પાકોને ખાલી જગ્યા પર વાવવા જોઈએ જેથી નીચે આચ્છાદન અને ઉપર સજીવ આચ્છાદનથી અસંખ્ય જીવાણુ અને અળસિયા પેદા થાય જે ઘણા વર્ષો સુધી દરેક ઝાડ છોડના મૂળને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપતા રહે છે.દાડમને ગાઢ છાયો જોઈએ, તેથી એરંડા અને સરગવાના ઝાડના માધ્યમથી તેમની છાયાની વ્યવસ્થા કરવી હિતાવહ છે. જો આપણે ઓછી કિંમતમાં પ્રાકૃતિક કૃષિના જરૂરી તમામ ઘટકોનો અમલ કરીએ તો રોગ જીવાત આવતા નથી. કોઈ ખામી રહી જાય તો પ્રતિકારક શક્તિ પૂરતા પ્રમાણમાં વિકસિત ન બનવાના કારણે કીટકો નુકસાન કરે છે અને બીમારી લાગુ પડી શકે છે. જેથી બચવા માટે દાડમના ઝાડની છટણી કરીએ તે જ દિવસે સાંજે અથવા બીજા દિવસે બંને ઝાડની વચ્ચે સળગતી મસાલનો ઉપયોગ કરવો જોઈએ જેથી દાડમને ખાનાર ૬૦ ટકાથી વધુ કીટકો મસાલોનો દાહ લાગવાથી બળી જશે.દાડમને નુકસાન કરે એવા કીટકો થ્રીપ્સ, જેસીડ, અનાર કેટર પીલર, માઈટ ઈડર બેલ, સ્ટેમ બોરર વગેરે છે. આ કીટકો થી બચવા નીમાસ્ત્ર, અગ્નિયસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વગેરેનો છંટકાવ કરવો જોઈએ. આ પાક ના દુશ્મન કીટકો થી છુટકારો મેળવવા જીવામૃત, વાફૂસા, આચ્છાદન વગેરે ખૂબ જ ઉપયોગી છે, એમાં ખાટી છાશનો છંટકાવ પણ ખૂબ જ ઉપયોગી છે. જેથી ચાલો દાડમની ખેતીમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી દાડમની ગુણવત્તાની સાથે નફો પણ મેળવીએ.