મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીને સમયસર યોગ્ય સારવાર આપવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે દર્દીના પુત્રએ જીલ્લા કલેકટરને રાવ કરી છે. સાથે તેઓએ ડોકટર દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ કર્યા છે.મોરબીના લીલાપર રોડ પર પાંજરાપોળ સામે રહેતા હિરેન બટુકભાઈ મૈજડિયાએ જીલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે તેઓના પિતા બટુકભાઈ મૈજડિયા 28 ઓગસ્ટના રોજ બાઈક પરથી પડી ગયા હોય તેમને ઈજા પહોંચી હતી. જેથી તેઓને મોરબી સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી ખાનગી હોસ્પિટલમાંથી સીટી સ્કેનના રિપોર્ટ આવ્યા બાદ ઇમરજન્સી રૂમમાં લઈ જવાનું જણાવ્યું હતું. પરંતુ ઇમરજન્સી રૂમમાં ગયા તો ત્યાં કોઈ ડોક્ટર કે નર્સ હાજર ન હતા અને પટાવાળા જ હતા. આશરે એક વાગ્યે કમ્પાઉન્ડર આવતા અમે સારવાર કરવાનું કહ્યું હતું. પરંતુ તેણે એવું કહ્યું કે ડોક્ટર હાલ આવી શકે તેમ નથી અને રાહ જોવી પડશે. ત્યારબાદ અમે ડોક્ટરને ફોન કર્યો હતો જેથી ડોક્ટરે વોટ્સએપ કરવા જણાવ્યું હતું. પરંતુ અમે ઇમરજન્સી હોય રૂબરૂ ચેકઅપ કરવા આવવા ડોક્ટરને જણાવ્યું હતું. જો કે ડોક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, મારી પાસે બીજા 17 કામ છે અને એવું લાગે કે ઇમર્જન્સી જેવું છે તો જ હું આવીશ નહિતર નહીં આવું. અને લાંબી રાહ જોવડાવ્યા બાદ સર્જરી વિભાગમાંથી એક ડોક્ટર આવ્યા હતા. ત્યારબાદ અમોને ડોક્ટરે ધમકી પણ આપી હતી. આમ મારા પિતાને સવારે 10:30 થી 11 વાગ્યાની આસપાસ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને ડોક્ટર આશરે 2:45 થી 3 વાગ્યાની આસપાસ ચેક અપ માટે આવ્યા હતા. તો આ બાબતે કલેકટરને લેખિત રજૂઆત કરીને યોગ્ય પગલાં લેવા તથા ડોક્ટર પોતાની ફરજ યોગ્ય રીતે બજાવે તેઓ હુકમ કરવા અરજ કરવામાં આવી છે.