મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા ભારતભરની 5 લાખ શાળાઓની સાથે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં 'આપણી શાળા- આપણું સ્વાભિમાન' નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ કરવામાં આવી છે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને એ માટે સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સંકલ્પ માત્ર શબ્દો પૂરતો મર્યાદિત નથી, પરંતુ શાળા જીવનને ગુણવત્તા સભર, પ્રેરણાદાયી અને રાષ્ટ્રીય હિતમય બનાવવા માટેનો જીવંત દસ્તાવેજ છે. શાળાને સ્વચ્છ, શિસ્તબદ્ધ હરિયાળી અને પ્રેરણાદાયી બનાવવાનો સંકલ્પ, શાળાની સંપત્તિને રાષ્ટ્રીય સંપત્તિ માની તેનું રક્ષણ કરવાની ભાવના અને સમભાવથી શીખવા - શીખવવાની પ્રતિબદ્ધતા આ બધું શિક્ષણના સાચા અર્થને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે. 'આપણી શાળા-આપણું તીર્થ બને, આત્મ-અભિમાન બને, રાષ્ટ્ર નિર્માણનો આધાર બને એ માટે મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતમાં બંને શાળાના 800 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે માધાપરવાડી શાળાના બાળકોનો CET, CGMS, NMMS તેમજ PSE પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ બદલ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપેલ પ્રમાણપત્ર બ્રિજેશભાઈ મેરજાએ શાળાના શિક્ષકોને અર્પણ કર્યું અને વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી વાતો કરી હતી.'આપણી શાળા-આપણું તીર્થ બને, આત્મ-અભિમાન બને, રાષ્ટ્ર નિર્માણનો આધાર બને એ માટે જેમના અથાગ પ્રયત્નો થકી નવી દ્વારકાધીશ શાળા શરૂ થયેલ છે એવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતમાં ગાયત્રીનગર અને દ્વારકાધીશ બંને શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે તાલુકાના હોદ્દેદારોની હાજરીમાં હિતેશભાઈ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી તેમજ દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્યે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રેરણાદાયી વાતો કરી હતી.