મોરબી કોંગ્રેસ તાલુકા પ્રમુખ સલીમભાઈ કરીમભાઈ ભટ્ટીએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરીમોરબી: મોરબી મહાપાલિકાના વોર્ડ નંબર-2માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ યથાવત છે. જેને લઈને કોંગ્રેસ પક્ષના મોરબી તાલુકા પ્રમુખ સલીમભાઈ કરીમભાઈ ભટ્ટીએ આ અંગે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, વોર્ડ નંબર-૨ના વીસીપરા, મદીના સોસાયટી, સુમરા સોસાયટી, કુલ્લી નગર-1, ફુલછાબ સોસાયટી, કુલ્લી નગર-2, વિજય નગર, રણછોડ નગર, નિધિ પાર્ક સોસાયટી, રોહીદાસ પરા, મિલની ચાલી વિસ્તાર અને સરકારી વાડી સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓ છે. આ વિસ્તારોમાં પાણી, લાઇટ, ભૂગર્ભ ગટર, ગંદકી, અને બિસ્માર રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે.વધુમાં, રખડતા ઢોર અને શ્વાનના ત્રાસથી સ્થાનિકો પરેશાન છે, જેના કારણે જાહેર આરોગ્યને પણ ગંભીર ખતરો છે. સલીમભાઈ ભટ્ટીએ માંગ કરી છે કે નવા નિયુક્ત થયેલા મ્યુનિસિપલ કમિશનર અને બે આસિસ્ટન્ટ કમિશનરો આ મુદ્દે ધ્યાન આપીને આ વિસ્તારોને વર્ષોથી થઈ રહેલા અન્યાયને દૂર કરે અને તેમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે. આ રજૂઆત દ્વારા કોંગ્રેસે સ્થાનિક લોકોના પ્રશ્નોને ઉજાગર કરી તંત્રને તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી છે.