પગાર વધારીને રૂ. 20,000 થી 22,000 સુધી કરવા અને તેને ફિક્સ પગારમાં રૂપાંતરિત કરવા માંગ મોરબી : મોરબી જિલ્લાના લગભગ ૧૫૦૦ જેટલા આશા વર્કર બહેનોએ આજે તેમની પડતર માંગણીઓના પ્રશ્ને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આશા વર્કર્સ યુનિયનના સભ્ય રૂપલબેન દિનેશભાઈ હણએ જણાવ્યું હતું કે, ઓનલાઈન કામગીરીનું ભારણ વધ્યું હોવાથી કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સક્ષમ મોબાઈલ ફોન પૂરા પાડવામાં આવે તેમજ વેતનમાં વધારો કરવા માંગ કરી છે.રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાલમાં આશા વર્કરોને માસિક રૂ. 2000 જેટલા ટૂંકા પગારથી શરૂઆત થાય છે. આશા વર્કર બહેનોએ આ પગાર વધારીને રૂ. 20,000 થી 22,000 સુધી કરવાનો અને તેને ફિક્સ પગારમાં રૂપાંતરિત કરવાનો અનુરોધ કર્યો છે. તેમજ ઓનલાઈન કામગીરીનો ભાર વધતા કામગીરી સુચારુ રૂપે ચાલે તે માટે સક્ષમ મોબાઈલની માંગણી કરવામાં આવી છે. વર્તમાન ઓછો પગાર સારો મોબાઈલ ખરીદવા માટે પૂરતો નથી.આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે તેઓ ગામના બાળકોની સંભાળ રાખવામાં મદદ કરે છે, ત્યારે તેમના પોતાના બાળકોને પણ પૂરતી સુવિધા મળી રહે તે માટે પૂરતા પગારની જરૂર છે. આશા વર્કર બહેનોએ તનતોડ મહેનત કરીને સરકારના ૪૨ જેટલા કાર્યક્રમોમાં મદદ કરી છે. કોરોના મહામારી દરમિયાન જીવના જોખમે પણ તેમણે ઘરે-ઘરે જઈને સર્વે કર્યો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આશા વર્કર બહેનો હંમેશા કામમાં મોખરે રહી છે. તેથી, તેમની આ માંગણીઓ પૂર્ણ કરવામાં આવે.