મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીને લેખિત રજૂઆત કરીને મોરબી ડી.એલ.આર કચેરી દ્વારા જમીનની માપણી કરાઈ છે તે અને મોરબી જિલ્લાના અન્ય પડતર પ્રશ્નોનો નિકાલ કરવા માટે રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી ડી.એલ.આર કચેરી દ્વારા જે જમીનોની માપણી કરવામાં આવે છે તે જમીનોમાં કેજીપી ઇસ્યુ થતું નથી અને હિસ્સા માપણીની અસર રેવન્યુ રેકર્ડમાં આપવામાં આવતું નથી. ફોર્મ નંબર 4માં ખેડૂતોની જમીન વારેવારે માપણી કરવી પડે છે. અવારનવાર વિસંગતતા પણ સર્જાય છે. તેથી ડી.એલ.આર કચેરી જે માપણી કરે છે તેની અસર રેકર્ડમાં સ્ક્રેચ મુજબની અસર આપવામાં આવે તો આ ખેડૂતોની જમીનનું ટાઈટલ કાયમીપણે રેકોર્ડમાં ઉપલબ્ધ રહે.આ ઉપરાંત મોરબીમાં પડતર હથિયાર પરવાનાઓની અરજીઓ છે તે અંગે નિર્ણય લઈને પડતર અરજીઓનો નિકાલ કરવામાં આવે. મોરબી જિલ્લાની અંદર મીઠા ઉદ્યોગની અપાતી લીઝ પરની જમીનો લીઝ મંજૂર થયા સિવાયની જમીનો પર બિનઅધિકૃત કબજો ખુલ્લો કરાવવા તથા દબાણ ખુલ્લું કરાવવા તથા જે લીઝ પૂરી થઈ ગઈ છે તેવી તમામ જમીન સરકાર હસ્તક લેવા તેમજ ફાળવેલ જમીન પરની રોયલ્ટીની રકમો ભરેલ ન હોય તેવી તમામ જમીનો સરકાર હસ્તક લેવામાં આવે અને આવી જમીનો પર આવવા જવાનો રસ્તો ખુલ્લો કરવા તથા પારા કરેલા છે તે હટાવવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં પ્રાંત અધિકારીઓ દ્વારા વાંચવા સમજવાના હુકમો કરવામાં આવે છે તેના બદલે અપીલ રાહે હુકમ થવા આદેશ થવા અને અન્ય વ્યક્તિઓનું હિત ડૂબી જતું હોય તેઓનું હિત સમાયેલ હોય તેથી તેઓને સાંભળી તેઓની તરફેણમાં હુકમ કરવા રજૂઆત કરવામાં આવી છે.