મહાપાલિકાની ટિમ 3 વાર આવી, પણ સમસ્યા ઠેરની ઠેર : લોકોને ભારે હાલાકીમોરબી : ત્રાજપર ખારીમાં મુખ્ય બજારમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ મામલે તંત્રને અનેક રજૂઆતો કરી છતાં કોઈ પરિણામ મળ્યું ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં મુખ્ય બજારમાંથી ગટરના પાણી નીકળી છેક નેશનલ હાઇવે સુધી પહોંચે છે. મહાપાલિકાની ટિમ 3 વાર સાંજે કટોકટી ટાઈમે આવી છે. તેઓ ઢાકણા બદલીને ચાલ્યા જાય છે પણ આ સમસ્યાનું નિરાકરણ હજુ આવ્યું નથી. ધારાસભ્યની હેલ્પલાઇનમાં પણ આ મામલે રજુઆત કરી છે. તેમાંથી પણ કોઈ પરિણામ મળ્યું નથી. હાલ અહીં મુખ્ય બજારમાં ચાલી શકાય તેવી પણ હાલત નથી. એટલે.તંત્ર ગંભીરતાથી આ પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી માંગ છે.