માળિયા (મિયાણા) : માળિયા મિયાણામાં ટેલિફોન એક્સચેન્જ પાસે રસ્તા પર વરસાદી પાણી ભરાય રહેતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શેરીઓમાં ભરાયેલા વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી જેના કારણે લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદી પાણીના ખાબોચિયા ભરાયેલા રહેતા રોગચાળો પણ ફાટી નિકળ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.તાજેતરમાં એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. જેમાં આ ખાબોચિયામાંથી એક વૃદ્ધ વ્યક્તિ જેના પગ પણ કામ કરતાં નથી અને આંખે બરાબર દેખાતું નથી તે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. આખા રસ્તામાં પાણી ભરાયેલું હોવાથી લોકો દ્વારા પાણીમાંથી ચાલવા માટે પથ્થરો મૂકવામાં આવ્યા છે. આ વૃદ્ધ આ પથ્થરો પર બેસીને ધીમે ધીમે રસ્તો પસાર કરી રહ્યા છે. ત્યારે આ દ્રશ્ય ભલભલાના રૂંવાડા ઉભા કરી દે તેવું છે. જો કોઈ આવી વ્યક્તિ આ રસ્તો પસાર કરતી વખતે પડી જાય તો ઈજા પહોંચી શકે છે. ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરી ગંદકી દૂર કરવામાં આવે તેવી લોકો તરફથી ઉગ્ર માંગ ઉઠી રહી છે.