સી.સી. રોડની પહોળાઈ વધારી ૮૦ ફૂટ કરવા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆતમોરબી: મોરબી મહાલિકા વિસ્તારમાં એસપી ચોકડીથી આલાપ પાર્ક સુધીના આઇકોનિક રોડને મંજૂરી આપવામાં આવેલ છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિએ શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મોરબી મહાપાલિકાને એક મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. આ રજૂઆતમાં, સમિતિએ એસ.પી. ચોકડીથી આલાપ પાર્ક સુધીના મંજૂર થયેલા આઈકોનિક સી.સી. રોડની પહોળાઈ વધારીને ૮૦ ફૂટ કરવા અને તેને લીલાપર રોડ પરના વિદ્યુત સ્મશાન સુધી લંબાવવાની માંગ કરી છે.કોંગ્રેસ સમિતિએ આઈકોનિક રોડની હાલની પહોળાઈ વધારીને ૮૦ ફૂટ કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર ન બને. તેમજ આ રોડને વિદ્યુત સ્મશાનથી ભડીયાદ રોડને જોડતા પુલ બનાવવામાં આવે તો શહેરના ટ્રાફિકનું ભારણ હળવું થશે. કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે કે આ પગલાંથી ભવિષ્યમાં રોડ પરના દબાણો પણ દૂર થશે. આ રજૂઆત પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે કમિશનરને અપીલ કરવામાં આવી છે.