દૈનિક 8 હજાર ટ્રકની અવર-જવર હોવાથી 6 લેનની જરૂરિયાત સામે હાલ 4 લેન રોડ, તે પણ બિસ્માર હાલતમાં : સર્વિસ રોડની ગટરની સફાઈ ન થતી હોવાથી વરસાદી પાણી રોડ ઉપર ભરાતાં હોવાની પણ સમસ્યા : તાત્કાલિક રોડનું સમારકામ કરાવવા સિરામિક એસો.ની માંગમોરબી : નેશનલ હાઈવેની દુર્દશાને કારણે સામાન્ય વાહનચાલકો ઉપરાંત ઉદ્યોગોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેવામાં મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લેખિત રજૂઆત કરીને મોરબીના નેશનલ હાઇવે 27 (8એ)ની મરામત કરાવવા અને સર્વિસ રોડની ગટરની સફાઇ કરાવવાની માંગ ઉઠાવાય છે.મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખો મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા, સંદીપભાઈ કુંડારીયા અને અજયભાઈ મારવણીયાએ રજુઆતમાં જણાવ્યું છે કે, વિશ્વ વિખ્યાત મોરબી સિરામિક ઉદ્યોગના ક્લસ્ટરમાંથી 27 નંબરનો હાઇવે પસાર થાય છે. આ હાઇવેની હાલત ખરાબ છે. હાઇવે ઉપર દૈનિક 8000 ટ્રકની અવર જવર થાય છે. વાર્ષિક 60 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતા સિરામિક ઉદ્યોગ ગતિશક્તિ અવરોધાય છે. હાલમાં ફોરલેન રોડની જગ્યાએ 6 લેન રોડની જરૂરિયાત છે. માળીયાથી વાંકાનેર સર્વિસ રોડની ગટરની સફાઇ આજ દિન સુધી થઈ નથી. જેના લીધે વરસાદી પાણી રોડ પર ફરી વળે છે તેથી સારા અને ટકાઉ રોડની આવરદા ઘટીને તુટી જાય છે અને ટ્રાફિકના પ્રશ્નો ઉભા થાય છે. સિરામિક ટાઇલ્સ માટીમાંથી બનતી હોય ટાઇલ્સમાં બ્રેકેજ આવે છે. ઉપરાંત જાણવા મળતી વિગત મુજબ ટ્રક અને ટ્રાન્સપોર્ટ વારા આવતા દિવસોમાં આ ખાડા વાળા રોડને લીધે રોડ નહી તો ટોલ નહી એવા સૂત્રો સાથે હડતાળ કરશે. તેવી વાતો વહેતી થઇ છે. માટે ત્વરિત આ ગટરની સફાઇ તથા રોડની મરામત તાત્કાલિક કરે તેવી માંગણી છે.