તંત્રને અનેક રજુઆત કરવા છતા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોએ આશા જ છોડી દઇ જાતે કામ કરાવી લીધુંમોરબી : મોરબીના લાયન્સનગરમાં રોડની બિસ્માર હાલતને કારણે ત્યાંથી નીકળતા લોકોને દરરોજ પરેશાની ભોગવવી પડતી હતી. આ મામલે તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોએ જાતે લોકફાળો ઉઘરાવી રોડનું રીપેરીંગ કામ કરાવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી ફાટક પાસે આવેલ લાયન્સનગરના મુખ્ય રસ્તા ઉપર મસ મોટા ખાડા પડ્યા હતા. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી હતી. આ ઉપરાંત વરસાદના સમયે અહીંના રસ્તાઓ ચાલવા યોગ્ય પણ રહેતા ન હતા. આ મામલે સ્થાનિકો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્રએ ધ્યાન આપ્યું ન હતું. જેને પગલે અહીંના આગેવાનોએ રોડ ઉપરથી પસાર થતા ટુ-વ્હીલર, રીક્ષા ચાલકો સહિતના વાહનચાલકો પાસેથી રૂ.50-50 ઉઘરાવી લોકફાળો એકત્ર કરીને ખાડા બુરાવી રોડનું રીપેરીંગ કામ કરાવ્યું છે.