વજેપર અને સરવડ ગામના જમીન કૌભાંડમાં તેઓ સામે ગુનો નોંધાતા કાર્યવાહીમોરબી : મોરબી જિલ્લાના ચકચારી એવા વજેપર અને સરવડ ગામના જમીન કૌભાંડોમાં માળિયા મિયાણા તાલુકાના તરઘરી ગામના સરપંચ સાગર ફુલતરિયાની સંડોવણી હોય તેમની સામે ગુનો નોંધાયા બાદ ડીડીઓ દ્વારા તેમને સરપંચ પદેથી હટાવવામાં આવ્યા છે.મોરબીના ચકચારી વજેપર રેવન્યુ સર્વે નંબર 602ની કરોડોની કિંમતી ખેતીની જમીન ગેરકાયદેસર રીતે વારસાઈ નોંધ કરાવી બાદમાં દસ્તાવેજ કરી પચાવી પાડવાના પ્રકરણમાં સાગર ફુલતરિયા સામે ગુનો નોંધાયો હતો. આ સાથે માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયા હોવાના બનાવમાં પણ તેમની સામે ગુનો નોંધાયો હતો. જેને પગલે ડીડીઓ દ્વારા સાગર ફુલતરીયાને સરપંચ પદેથી દૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સાગર ફુલતરિયાએ એક વ્યક્તિને કારની હડફેટે લઈ લાયસન્સ વાળી બંદૂક કાઢી ધમકી આપી હતી. આ વેળાએ પણ તેઓને સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ અપીલમાં જઈને તેઓએ સરપંચ પદ પરત મેળવ્યું હતું.