બ્રાહ્મણી નદી ઉપર ખેડૂતો માટે બનાવેલો ચેકડેમ તૂટતા પાણીનો ધસમસતો પ્રવાહ ટીકર બાજુ વહ્યો : રેતી ચોરીના કારણે ચેકડેમ નબળો પડીને તૂટ્યો હોવાના સરપંચના આક્ષેપહળવદ : હળવદના ચાડધ્રા ગામે આજે સવારે ચેકડેમ તૂટ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી નુકસાની તો થઈ નથી પણ પાણીનો ધસમસતો પ્રવાહ ટીકર બાજુ વહી રહ્યો છે. જ્યાંથી પાણી રણમાં ફેલાઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પસાર થઈ રહી છે. જેના ઉપર ખેડૂતોને પાણી મળી રહે તેવા ઉદ્દેશ સાથે અંદાજે 10 વર્ષ પૂર્વે બનાવવામાં આવેલો ચેકડેમ આજે તા.29 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યાના અરસામાં તૂટી ગયો છે. આ ઘટના અંગે સરપંચ સજ્જનબા જગદીશભાઈ ગઢવીએ કહ્યું કે રેતી ચોરીના કારણે ચેકડેમ નબળો પડી ગયો હોવાથી તૂટી ગયો છે. હવે ફરી ક્યારે આ ચેકડેમ બનશે તે અંગે કઈ નક્કી નથી. રેતી ચોરીના કારણે આ બનાવ બન્યો છે. હજુ પણ તંત્ર દ્વારા રેતી ચોરી અટકાવવામાં નહિ આવે તો ભયંકર પરિણામ આવશે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે મોટી નુકસાની સર્જાય નથી પણ ચેકડેમનું પાણી હાલ ખાલી થઈ રહ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ ટીકર તરફ વહી રહ્યો છે. જ્યાંથી આ પાણી રણ વિસ્તારમાં વેડફાઈ જશે. તેવું જાણવા મળી રહ્યું છે.