રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા ખેલાડીઓ તથા કોચનું સન્માન કરાયું મોરબી : આજ રોજ 29 ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા ઉજવાતા નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હંસાબેન (મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ), ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા ખેલાડીઓ તથા તેમનાં કોચનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ હોકી, કબડ્ડી, ખો-ખો, ટેનિસ, ટેકવેન્ડો જેવી અનેક રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2025-26ના રજિસ્ટ્રેશનનો પણ પ્રારંભ કરાયો હતો.મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ “હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન – ખેલે ભી, ખીલે ભી” ના સૂત્રને સાકાર કરવાનો છે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘હમ ફિટ તો ઇન્ડિયા ફિટ’ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ‘મેદસ્વીતા મુક્ત ગુજરાત’ મિશનને વેગ આપશે. સાથે વિદ્યાર્થીઓને રમતગમતમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આ રીતે મોરબી જિલ્લાના ખેલપ્રેમીઓ, ખેલાડીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં નેશનલ સ્પોર્ટ્સ ડે 2025નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું.