ડબલ રકમનો દંડ અને ચેકની રકમ ૯% વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવાનો પણ આદેશમોરબી : મોરબીમાં રોકાણ કરવા માટે આરોપીને આપેલ રકમ રોકાણમાં ન વપરાયા બાદ તે રકમ પાછી લેતી વેળાએ તેનો ચેક પરત ફરતા આ ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે ડબલ રકમનો દંડ અને ફરીયાદીને ચેકની રકમ ૯% વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.કેસની હકીક્ત જોઈએ તો, મોરબીના રહેવાસી બ્લોચ ઈમ્તિવાઝ અહેમદ મિલ્કત લે - વેચનો ધંધો કરતા હોઈ, તેઓને મિલ્કતમાં રોકાણ કરવા માટે ફરીયાદી હઝારી મુસ્તફા નુરૂદિન, રહે. મોરબી વાળાનો સંપર્ક કરી મિલ્કતમાં રોકાણ કરવા માટે રૂા. ૬,૫૦,૦૦૦/- મેળવેલ હતા. મિલ્કતમાં રોકાણ કરવાથી રૂા. ૨,૫૦,૦૦૦/- નો ફાયદો થશે તેવું જણાવેલ હતું. અને તેના બદલામાં રૂા. ૯,૦૦,૦૦૦/- નો ચેક આપેલ હતો. પરંતુ લાંબા સમય સુધી આરોપી બ્લોચ ઈમ્તિયાઝે કોઈ મિલ્કત ખરીદ નહીં કરતા, ફરીયાદીએ તેમની રકમ પરત ચૂકવી આપવા, આરોપીને જણાવી ચેક મેળવ્યો હતો. આ ચેક પરત ફરતા મોરબી કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ફરીયાદીના વકીલ ચિરાગ ડી. કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજૂ રાખેલ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે. જયુડીરબલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ સાહેબ (એસ.એ. મેમણ મેડમ) ની કોર્ટે આરોપી ઈમ્તિયાઝ અહેમદ બ્લોચ, રે. મોરબી વાળાને બે વર્ષની કેદની સજા અને રૂા. ૧૩,૦૦,૦૦૦/- નો દંડ અને દંડની રકમમાંથી, ચેકની રકમ ઉપર ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી ૯ % સાદા વ્યાજ સહિત વળતર પેટે દીન-૩૦માં ચૂકવી આપવાનો તેમજ આ વળતરની રકમ ચૂકવવામાં કસૂર કર્યોથી વધુ ૯૦ દિવસની કેદની સજા ફરમાવવાનો અતિ મહત્વનો અને ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ તથા રવી કે. કારીયા રોકાયેલ હતા.