મોરબીમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વે 34 સાધકોએ કરી કઠોર સાધનાપર્યુષણ દરમિયાન ગુરુ ભગવંતોના પ્રવચનો સાંભળી અભિભૂત થતા જૈનોમોરબી : જૈન સમાજ માટે તમામ પર્વોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વને મહાપર્વ ગણી સતત દસ દિવસ સુધી અહંભાવનો ત્યાગ કરી ધીરજ, સયંમ સાથે સતત ગુરુ ભગવંતોના મુખેથી જ્ઞાન પ્રવચન સાંભળી ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરવામાં આવે છે.મોરબીમાં આ વર્ષે પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમિયાન જૈન સમાજના 34 સાધકો દ્વારા માસ ક્ષમણ, અઠાઈ, નવમી તેમજ છ દિવસના ઉપવાસ સહિતના તપ કર્યા હતા. બુધવારે સવંત્સરી સાથે પર્યુષણ પર્વની સમાપના થતા હવે આજે આ તમામ તપસ્વીઓને પારણાં કરાવવામાં આવશે.મોરબીમાં સંવત્સરી પર્વના ક્ષમાપનાના દિવસે દરબારગઢ જૈન દેરાસરના ટ્રસ્ટી ભાવેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે, મોરબીમાં અંદાજે 4000 જેટલા જૈન લોકો વસવાટ કરે છે જેમાં પર્યુષણ પર્વ દરમિયાન છ વર્ષથી લઈ 65 વર્ષની ઉંમરના 34 જેટલા સાધકોએ આખા મહિનાના ઉપવાસ કરી માસ ક્ષમણની કઠોર તપસ્યા કરી હતી. સાથે જ અઠાઈ તપ, નવ દિવસના ઉપવાસ, છ દિવસના ઉપવાસ સહિતની તપસ્યા પણ જૈન સમાજના લોકોએ કરી હતી. સાથે જ પર્યુષણ પર્વના સમાપનના દિવસે દરબારગઢ દેરાસર ખાતે દિવ્ય યશવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ચૈત્ય પરીપાઠી યોજી દેરાસરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. સાથે જ તમામ સંઘોમાં જાણતા-અજાણતા થયેલા પાપકર્મોના પ્રાયશ્ચિત માટે મોટું પરિક્રમણ કરી ખમત ખમણા સાથે મિચ્છામિ દુક્કડમ કરવામાં આવ્યું હતું.પિતાએ અઠાઈ પુત્રીએ નવાઈ કરી મોરબીમાં રહેતા 59 વર્ષના અતુલભાઈ મનહરલાલ મહેતા છેલ્લા 40 વર્ષથી અઠાઈ તપ કરી રહ્યા હોવાનું જણાવી ઉમેરે છે કે, અઠાઈ દરમિયાન તેઓ વાહનનો ઉપયોગ નથી કરતા સાથે જ ચપલ પણ નથી પહેરતા અઠાઈ કરવાથી શરીરના શુદ્ધિકરણ સાથે પોઝિટિવ ઉર્જાનો સંચાર થતો હોવાનું પણ તેમને જણાવ્યું હતું. અતુલભાઈ મેહતાની 26 વર્ષીય પુત્રી ફોરમ મહેતાએ અગાઉ ચાર વર્ષ અઠ્ઠાઈ તપ કરેલ હતી આ વર્ષે નવાઈ તપ કરેલ છે. એટલે કે 9 દિવસ સુધી ઉપવાસ કર્યા છે. આ તપથી તેમના જીવનમાં અદભુત પરિવર્તન આવ્યું હોવાનું જણાવી તેમણે સોશિયલ મીડિયાનો સીમિત ઉપયોગ કર્યો હતો.કાકીએ 16 ઉપવાસ અને ભત્રીજીએ માસ ક્ષમણ કર્યા મોરબીના કાયાજી પ્લોટમાં રહેતી 16 વર્ષની ક્રિશા સુતરિયાએ પણ આ વર્ષે માસ ક્ષમણ એટલે કે, આખા મહિનાના ઉપવાસ કર્યા છે. ક્રિશા કહે છે કે, આખો મહિનો ઉપવાસ કરવામાં તેણીને 15માં દિવસે ઉલ્ટીઓ શરૂ થતા ડોક્ટર બોલાવવા પડયા હતા પરંતુ મક્કમ મન હોવાથી દવા ઇન્જેક્શન લીધા વગર જ તેણીએ આ કઠોર સાધના પૂર્ણ કરી છે. સાથે જ ક્રિશા કહે છે કે, માસ ક્ષમણને લઈ વજનમાં પણ ઘટાડો થવાની સાથે ધર્મપ્રત્યે લગાવ વધ્યો હોવાનું અને દરેક લોકોએ ધર્મનું આચરણ કરવું જ જોઈએ તેમ જણાવ્યું હતું. ક્રિશાના 38 વર્ષના કાકી વિરલબેન સુતરિયાએ પણ પર્યુષણ પર્વમાં 16 દિવસના ઉપવાસની તપસ્યા કરી ધન્યતા અનુભવી રહયા હોવાનું જણાવી 16 ઉપવાસમાં જરાપણ તકલીફ ન પડી હોવાનું જણાવ્યું હતું.તપશ્ચર્યાથી બાળકોમાં ધર્મપ્રત્યેનો ભાવ જાગે છે : શિવાંગી મહેતા મોરબીમાં માસ ક્ષમણ કરનાર 32 વર્ષના શિવાંગીબેન પ્રિયલભાઈ મહેતા નામના સાધક કહે છે કે, જીવનમાં ધર્મનું ખુબ જ મહત્વ છે. તેઓ માસ ક્ષમણ વિષે કહે છે કે, સતત 30 દિવસ સુધી સવારે 10 વાગ્યાથી લઇ સાંજના 6.30 સુધીના સમયગાળામાં માત્ર પાણી પીવા સિવાય કશું જ લઈ શકાતું નથી. ગુરુદેવ-મહારાજ સાહેબની કૃપા વગર કઠોર તપ કરી શકાતું ન હોવાનું જણાવતા તેઓ ઉમેરે છે કે, તેમની નાની વયની દિકરી પણ તેમનામાંથી પ્રેરણા લઈ ઉપવાસ કરવા પ્રેરાઈ છે. અઠાઈ તેમજ માસક્ષમણ જેવી તપસ્યાથી બાળકો પણ ધર્મ પ્રત્યે સભાનતા આવતી હોવાનું અને ધર્મના માર્ગે ચાલવા શીખ મળતી હોવાનું તેમને જણાવ્યું હતું.હું અન્ય તપસ્યા પણ કરું છું પરંતુ માસ ક્ષમણ એ અમારા માટે સૌથી મોટી તપસ્યા છે : વૈભવભાઈ મહેતા30 દિવસના ઉપવાસ કરનાર મોરબીના વૈભવભાઈ વિનોદભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 4 વર્ષથી ઉપવાસ કરું છું. પ્રથમ વર્ષે 3 ઉપવાસ, બીજા વર્ષે 8 ઉપવાસ, ત્રીજા વર્ષે 16 ઉપવાસ અને આ વર્ષે 30 દિવસના ઉપવાસ કર્યા છે. ગુરુની કૃપા હોય એટલે આ ઉપવાસ શક્ય બન્યા છે. ઉપવાસ જેમ જેમ આગળ વધે અને છેલ્લા દિવસોમાં પહોંચે ત્યારે શરીરમાં થોડી અશક્તિ જેવું લાગે પરંતુ તેમ છતાં કોઈ તકલીફ થઈ નથી. હું અન્ય તપસ્યા પણ કરું છું પરંતુ માસ ક્ષમણ એ અમારા માટે સૌથી મોટી તપસ્યા છે.