એક વીઘા જમીન આજીવન પોલથી રોકાઈ જશે, જેના પર ખેડૂતો વર્ષે રૂ. ૨૦ થી ૨૫ હજારની આવક ગુમાવશે તેવી રાવમોરબી: હળવદ તાલુકાના સાપકડા ગામના ૧૮ જેટલા ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં પાવરગ્રીડ કંપની વિરુદ્ધ લેખિત રજૂઆત કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વટામણ, તા. વઢવાણથી પસાર થનારી ૭૬૫ કેવી હાઈ ટેન્શન લાઈન તેમની ખેતીની જમીનમાંથી નીકળવાની છે, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોએ વળતર, જીવન વીમો અને જમીનના ભાવમાં થતા ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે.ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા ત્રણથી ચાર મહિનામાં તેઓ લગભગ સાત વખત કલેક્ટરને મળી ચૂક્યા છે. કલેક્ટરે તા. ૧૬-૦૬-૨૫, તા. ૨૯-૦૭-૨૦૨૫ અને તા. ૧૯-૦૮-૨૦૨૫ના રોજ પાવરગ્રીડના અધિકારીઓને ખેડૂતોની હાજરીમાં સ્થળ પર જઈને પોલ અને કંડક્ટરની જગ્યા બતાવવા, તેમજ નિયમ મુજબ વળતરની વિગતો આપવા સૂચના આપી હતી. જોકે, કંપનીના અધિકારીઓ સાપકડા ગામમાં આવ્યા જ નહોતા.તા. ૧૯-૦૮-૨૦૨૫ના રોજ એક પાવરગ્રીડ અધિકારી, દલવાડી મધુબેન સવજીભાઈની સર્વે નં. ૨૩૭માં આવેલી દાડમની વાડી પર આવ્યા હતા અને પોલ માટે રૂ. ૨૮૦ અને લાઈન માટે એક ફૂટના અમુક રૂપિયા આપવાનું જણાવ્યું હતું. આઠ વર્ષ જૂના દાડમના ઝાડમાં થતા નુકસાન અંગે ખેડૂતે જ્યારે નવા સરકારી નિયમો મુજબ વળતર માંગ્યું ત્યારે અધિકારીએ કથિત રીતે જણાવ્યું હતું કે, 'કલેક્ટર કહે તેમ ન થાય, અમારી પાવરગ્રીડના નિયમ મુજબ જોતું હોય તો વળતર મળશે.' આ કિસ્સાને ખેડૂતોએ કલેક્ટર સમક્ષ રજૂ કર્યો છે.ખેડૂતોએ જણાવ્યું કે લગભગ એક વીઘા જમીન આજીવન પોલથી રોકાઈ જશે, જેના પર તેઓ વર્ષે રૂ. ૨૦ થી ૨૫ હજારની આવક ગુમાવશે. તેમજ ૭૬૫ કેવી હાઈ ટેન્શન લાઈનથી ભવિષ્યમાં શોર્ટ સર્કિટ થવાની પૂરી શક્યતા છે, તેથી ખેડૂતોએ તેમના જીવન માટે આજીવન વીમો નક્કી કરી આપવા માંગ કરી છે. ખેડૂતોએ રજૂઆત કરી કે લાઈન પસાર થવાથી તેમની જમીનનું બજાર મૂલ્ય અડધું થઈ જશે. જો કંપનીને જરૂર હોય તો ખેડૂતો તેમની જમીન વેચવા પણ તૈયાર છે. કલેક્ટરે લાઈનનું ડાયરેક્શન થોડું બદલીને ખેડૂતોને નડતર ન થાય તેવું સૂચન કર્યું હોવા છતાં, પાવરગ્રીડના અધિકારીઓએ તે વાત માનવાની ના પાડી છે. ખેડૂતોનો પ્રશ્ન છે કે કંપનીના પોલ અને લાઈન આજીવન ખેતરમાં રહેશે, તો શું આ કંપનીનો જમીન પરનો આજીવન કબજો ન ગણાય? જો તેમ હોય, તો એક વીઘા જમીનની કિંમત મુજબ વળતર આપવું જોઈએ.ખેડૂતોએ પાટણ જિલ્લામાં અગાઉ ૭૬૫ કેવી લાઈન માટે રૂ. ૨૦૨૫ મુજબ અપાયેલા વળતરનો ઉદાહરણ તરીકે ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત, તેમણે તા. ૨૬-૦૮-૨૦૨૫ના દિવ્ય ભાસ્કરના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં ગુજરાત સરકારે પાવરગ્રીડ કંપનીને ખેડૂતોને વળતર આપવા અંગે જાહેરાત કરી હતી. આ સમગ્ર મામલે ખેડૂતોએ મુખ્યમંત્રી અને કલેક્ટરને ન્યાય મળે અને તેમનું હિત જળવાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.