અવેજના રૂ.1.14 કરોડ જાણ બહાર ખાતામાં નાખી બેન્ક અધિકારીની સંડોવણીથી ટ્રાન્સફર પણ કરી લેવાયા : અગાઉ પોલીસ ફરિયાદ ન નોંધાતા મામલો કોર્ટમાં પહોંચ્યો, કોર્ટના આદેશને પગલે 5 સામે ગુનો નોંધાયોમોરબી : મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં લખધીરનગરના ખેડૂત પાસેથી નસાની હાલતમાં કલોલ ખાતે આવેલી તેની જમીનનો દસ્તાવેજ બનાવી લેવાયો હતો. બાદમાં રૂ.1.14 કરોડની રકમ જાણ બહાર ખેડૂતના ખાતામાં જમા કરાવી બેન્ક અધિકારીની સંડોવણીથી આ રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર પણ કરી દેવાય હતી. આ મામલે અગાઉ ફરિયાદ નોંધાઈ ન હતી. મામલો કોર્ટમાં પહોચતા કોર્ટના આદેશ બાદ આ મામલે 5 શખ્સો સામે ગુનો નોંધાયો છે. લખધીરનગરના પ્રભુલાલ નથુલાલ દેત્રોજાએ એ ડિવિઝન પોલીસમાં કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા, વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા બન્ને રહે. અમદાવાદ, ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા રહે.મોરબી, આરડીસી બેંક મેનેજર ડી.આર. વડાવીયા, અશોક લાભૂભાઈ મકવાણા રહે.મોરબી તેમજ અન્ય જવાબદાર બેન્ક કર્મચારી તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયુ છે કે તેમના કૌટુંબિક સંબંધી કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા, વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજાએ નસાની હાલતમાં તેઓ પાસે ગાંધીનગરના કલોલ તાલુકામાં જાસપુરના રેવન્યુ સર્વે 552 અને 261ની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. બાદમાં તેઓના આરડીસી બેંકના ખાતામાં રૂ.1.14 કરોડ જાણ બહાર જમા કરી દીધા હતા. ત્યારબાદ બેન્ક અધિકારી અને કર્મચારીની મદદથી ખોટી સહી અને પાસબુક કઢાવી જાણ બહાર આ નાણાં ઉપેન્દ્રભાઈના ખાતામાં જમા પણ કરાવી નાખ્યા હતા. આ ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે 5 શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે એડવોકેટે સીરાજ અબ્રાણીએ જણાવ્યું કે તેમના અસીલ પ્રભુભાઈ દ્વારા વર્ષ 2022માં પોલીસ સમક્ષ ફરિયાદ આપવામાં આવી હતી. એસપી, આઈજીને પણ ફરિયાદ કરવામાં આવી હતી પણ તે સમયે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી. 6 મહિના બાદ પોલીસે એવો રિપોર્ટ જાહેર કર્યો કે ફરિયાદ બનતી નથી. તેનું કારણ એવુ જાહેર કરાયુ કે સિગ્નેચર બેન્ક ખાતા સાથે 99 ટકા સામ્યતા ધરાવે છે તેવો બેન્ક મેનેજરનો અભિપ્રાય છે. જ્યારે બેન્ક મેનેજર બી.આર. વડાવીયા પોતે આરોપી દર્શાવાયા છે. માત્ર તેની વાત માનીને ફરિયાદ બનતી નથી તેવું પોલીસ દર્શાવે છે. 2023માં નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ મોરબીમાં 156(3) મુજબ અમે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે કોર્ટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો અભિપ્રાય માંગ્યો હતો. ફોરેન્સિક ડીપાર્ટમેન્ટના હેન્ડ રાઇટિંગ એક્સપર્ટનો એવો અભિપ્રાય આવે છે કે ચેકમાં સહીના નુમના છે તેમાંથી એક પણ સહી અમારી નથી. આમાં બેન્ક કર્મચારીઓનો સાથ સહકાર હતો. આ બધા પાસાઓ ધ્યાને લઇ તા. 25/8/2025ના રોજ કોર્ટે પોલીસને ફરીયાદ લેવાનો હુકમ કર્યો છે.